કુતિયાણા પંથકના બાવળાવદર ગામે ગળાફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો
પ્રેમ હોવા છતાં બંને સાથે રહી નહી શકે તેવું લાગતા અંતિમ પગલું ભરી લીધું : પોરબંદર પંથકમાં 15 દિવસમાં પ્રેમીપંખીડાના આપઘાતનો બીજો બનાવ
પોરબંદર, : ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન ડે અને વેલેન્ટાઈન વીક ઉજવવામાં આવે છે. અને પ્રેમીપંખીડાઓ માટે જાણે તો મહાઉત્સવ હોય તેવું વાતાવરણ જોવા મળે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં વધુ એક પ્રેમીયુગલે પ્રેમની વેદી ઉપર પ્રેમનું બલિદાન આપીને આપગાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે. બાવળાવદર ગામે બનેલા આ બનાવે કુતિયાણા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
બાવળાવદર રહેતા કેશુભાઈ મુંજાભાઈ સોંદરવા દ્વારા કુતિયાણા પોલીસ મથકમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે, તેની પુત્રી ભારતી ઉ.વ. 24 ને તેના જ ગામના કેતન જેન્તીભાઈ કાણીયા ઉ.વ. 23 સાથે પ્રેમસંબંધ હતો અને તેઓ બંને સાથે રહી શકે તેમ નહી હોવાથી બન્નેને મનમાં લાગી આવ્યું હતું. અને રામજીભાઈ મુંજાભાઈના ઘરે બંન્નેએ સાડીથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતાં અને મૃતદહની પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આગળની તપાસ કુતિયાણા પોલીસ મથકના સબ ઈન્સ્પેકટર એ.એ. મકવાણા ચલાવી રહ્યા ંછે.
ઉલ્લેખનીય છે કે, પોરબંદર પંથકમાં છેલ્લા 15 દિવસમાં જ પ્રેમીપંખીડાઓના આપઘાતનો આ બીજો બનાવ છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશથી નાસીને આવેલા અને પોરબંદર પંથકમાં ખેતમજુરી કરતી તરૂણી અને યુવાને ઝેરી દવા પીને અને તળાવમાં પડીને સજોડે આપઘાત કરી લીધો હતો. ત્યારે આ પ્રકારના વધુ એક બનાવે અરેરાટી જન્માવી છે.