ઉત્તર પ્રદેશ જવા શ્રમિકોની ટ્રેન છેલ્લી ઘડીએ રદ્દ થતાં હોબાળો
- રાધનપુરથી પાલનપુર પહોંચવા બસો પણ તૈયાર હતી
- ભાડાનું મકાન ખાલી કરીને તંત્રના ભરોસે પરિવાર સાથે પહોંચેલા શ્રમજીવીઓ રઝળી પડતાં આક્રોશ
રાધનપુર,તા.11 મે 2020, સોમવાર
પાટણ જિલ્લાના રાધનપુર નગર અને તાલુકામાં રોજગારી માટે આવેલા ઉત્તર પ્રદેશના ૧૯૯ શ્રમિકોને પોતાના વતન જવા માટે સરકારી તંત્ર દ્વારા ભાડૂ વસુલવામાં આવ્યું હતું. તમામ શ્રમિકો તંત્રની સુચના મુજબ પોતાનું રાચરચીલું ઉપાડીને મહિલાઓ અને બાળકો સાથે સવારે રાધનપુર શીશુ મંદિર નજીક પહોંચ્યા હતા. શ્રમિકોને રવાના કરવા બસો પણ બોલાવવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ ટ્રેન રદ્દ થયાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.
રાધનપુર તાલુકા અને શહેરમાં રોજગારી માટે આવેલા ઉત્તર પ્રદેશના ૧૯૯ શ્રમિકોને સ્વખર્ચે પોતાના વતન જવા માટે તૈયારી દર્શાવી હતી. જેના પગલે સ્થાનિકતંત્ર દ્વારા તા.૧૦મી મેના રોજ તમામ શ્રમિકો પાસેથી રૃપિયા ૫૨૫ ભાડા પેટે લેવામાં આવ્યા હતા. અને તમામ શ્રમિકોને બીજા દિવસે સવારે રાધનપુર ખાતે હોસ્પિટલમાં તપાસ કરાવીને બસ દ્વારા પાલનપુર અને ત્યાંથી ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ રવાના કરવામાં આવશે તેવું જવાબદાર અધિકારીઓએ શ્રમિકોને જણાવ્યું હતું.
તા.૧૧મી મેના રોજ તમામ શ્રમિકોએ દવાખાનામાં ચેકઅપ કરાવ્યા બાદ ભાડે રાખેલ મકાનો ખાલી કરીને સર-સામાન માથે ઉપાડી તંત્રની સુચના મુજબ રાધનપુર પાલનપુર રોડ પર આવેલ શીશુ મંદિર નજીક પહોંચ્યા હતા. અહીં રાધનપુર મામલતદાર અને નગરપાલિકાનો સ્ટાફ હાજર હતો જ્યારે તમામ શ્રમિકોને પાલનપુર સુધી મોકલવા સાતેક એસ.ટી. વિભાગની બસો પણ તૈયાર રાખવામાં આવી હતી. તમામ તૈયારીઓ વચ્ચે લગભગ ૧૧ વાગ્યે શ્રમિકોને રવાના કરવા આવેલા મામલતદારે ફરમાન કરતા શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.
જ્યારે શ્રમિકોને પાલનપુર લઈ જવા માટે આવેલી બસો પણ રવાના કરી દેવામાં આવતા શ્રમિકો અટવાયા હતા. મહિલાઓ અને બાળકો સાથે આવેલા તમામ લોકો માથે બિસ્તરા મુકીને હાઈવેથી નાયબ કલેક્ટર કચેરીએ ચાલતા પહોંચ્યા હતા અને કચેરી સામે બેઠા હતા. પોતાના પાસેથી નગરપાલિકા દ્વારા ભાડાના રૃપિયા ૫૨૫ લેવામાં આવ્યા હતા. પરંતુ કોઈ જ આધાર રૃપિયા લીધાનો પાલિકા દ્વારા આપવામાં ના આવ્યો હોવાનું શ્રમિકોએ જણાવ્યું હતું. જ્યારે નગરપાલિકાના કર્મચારી અંકુરભાઈએ જણાવ્યું હતું કે અમોએ મામલતદારની સુચના મુજબ રૃપિયા લીધા હતા.
જે મામલતદાર કહેશે તો પરત આપી દેવામાં આવશે તેવું પણ પાલિકા કર્મચારીએ જણાવ્યું હતું. રાધનપુરથી ઉત્તર પ્રદેશ મોકલવાના શ્રમિકોની ટ્રેન રદ્દ થયા બાબતે રાત્રે જ અધિકારીઓને જાણ થઈ હોવાછતાં શ્રમિકોને સવારે બોલાવીને હેરાન કેમ કરવામાં આવ્યા? બાબતે સ્થાનિક જવાબદાર અધિકારી પાસેથી જવાબ મળવા પામ્યો ન હતો. તમામ શ્રમિકો પાસેથી ભાડાના લીધેલા નાણા પરત કરવામાં આવશે તેવું જણાવીને તંત્રએ વાત પરપડદો પાડવાની કોશીશ કરી હતી.
શ્રમિક શું કહે છે?
અમોને વતન જવા માટે તંત્રએ સુચના આપ્યા મુજબ નગરપાલિકામાં ૫૨૫ રૃપિયા ભાડાના જમા કરાવ્યા હતા અને આજે ભાડાના મકાન ખાલી કરીને તમામ સામાન વતન જવા માટે આવ્યા હતા. છેલ્લા બે માસથી લોક ડાઉનને કારણે અમારી પાસે રૃપિયા ખતમ થઈ ગયેલ છે. જેન ાકારણે મકાન ભાડૂ પણ આવીને આપવાનું કહીને મકાન ખાલી કરેલ છે. હવે અમોને મકાન ભાડે કોણ આપશે. આજે અમારે બાળકો અને મહિલાઓ સાથે રોડ ઉપર રહેવું પડશે તેવું વિનોદ યાદવે જણાવ્યું હતું.