પાટણ જિલ્લામાં વધુ બે પોઝિટીવ કેસ સાથે કુલ આંક 40 પર પહોંચ્યો
- ધારપુરમાં મહિલા નર્સ, સમીમાં પુરૃષ કોરોનામાં સપડાયા
- ધારપુર હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં ફરજ બજાવતી વધુ એક મહિલા નર્સને કોરોના પોઝિટીવ
પાલનપુર તા.17 મે 2020, રવિવાર
પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનાં કેસ ઓછા થવાને બદલે વધતા થઇ રહ્યા છે. જેમાં શનિવાર સાંજ સુધી જિલ્લામાં કોરોનાના કુલ ૩૮ કેસ નોંધાયા હતા. પરંતુ ત્યાર બાદ રવિવારે ધારપુર હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય મહિલા નર્સ કોરોના વાયરસનો ભોગ બની હતી. જ્યારે સમી તાલુકામાં ગઇકાલે નોંધાયેલ કેસ બાદ રવિવારે ૪૦ વર્ષીય પુરૃષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સમી આ આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. જોકે રવિવારે લોકડાઉનનો છેલ્લા દિવસ હોય આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે.
પાટણ જિલ્લામાં હવે કોરોના વોરિયર્સ પણ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. જેમાં અગાઉ ધારપુર આઇશોલેશન વોર્ડમાં ફરજ બજાવતી ૨૭ વર્ષીય મહિલા નર્સ સંક્રમણનો ભોગ બનતા તા.૧૩મેના રોજ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના ચાર દિવસ બાદ રવિવારે વધુ એક મહિલા નર્સ કોરોનામાં સપડાતા હડકંપ મચી ગયો છે. જેમાં ૨૪ વર્ષીય મહિલા નર્સ ધારપુર હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં ફરજ બજાવતી હતી જેમાં તે સંક્રમણનો ભોગ બની હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. જ્યારે સમી તાલુકામાં શનિવારે કોરોનાએ એન્ટ્રી કરી દેતા રવિવારે વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. જેમાં ૪૦ વર્ષીય પુરૃષ તા.૧૪ મેના રોજ સુરતથી સમી ખાતે આવ્યા હતા. જેઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને તકલીફ થતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં રીપોર્ટ પોઝિટીવ આવતા ઘરના તમામ સભ્યોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેને લઇ રવિવારે નોંધાયેલ વધુ બે કેસને લઇ જિલ્લામાં કુલ આંક ૪૦ પર પહોંચી ગયો છે.
પાટણ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 40 થયો
સિધ્ધપુર તાલુકો- સિધ્ધપુર ૨, નેદ્ર ૧૨, તાવડીયા ૧, ઉમરૃં ૧
સરસ્વતી તાલુકો- ભીલવણ ૯, દેલિયાથરા ૨, કાતરા(સમાલ)૧
ચાણસ્મા તાલુકો- કોટવાડિયાપરા(ચાણસ્મા શહેર)૧
હારીજ - દુનાવાડા ૧
પાટણ તાલુકો- પાટણ શહેર ૬, ધારપુર ૨
સમી તાલુકો - રાધનપુરી ગેટ ૧, કનીજ ૧
પાટણ જિલ્લામાં હજુ 16 દર્દીઓ સારવાર હેઠળ
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૪૦દર્દીઓનો રિપોર્ટ આવ્યો છે. જેમાં કુલ ૨૨ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે બે દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જોકે હજુ ૧૬ દર્દીઓ પાટણ ધારપુર હોસ્પિટલમાં ખાતે સારવાર લઇ રહ્યા છે.
પાટણ જિલ્લામાં હજુ શંકાસ્પદ 70 દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૦૭૧ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. ધારપુર મેડિકલ કોલેજમાં ૬૬૯, કોવિડ કેર દેથળી ખાતે ૨૦૦, કોવિડ હેલ્થ સેન્ટર રાધનપુર ખાતે ૧૨૬ તેમજ પાટણ જનતા હોસ્પિટલ ખાતે ૭૬ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં પાટણ જિલ્લાના ૧૦૦૪ અને અન્ય જિલ્લાના ૬૭ મળી કુલ ૧૦૭૧ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમા કુલ ૪૦ દર્દીઓ પોઝિટીવ નોધાયા છે. જ્યારે શંકાસ્પદ ૭૦ દર્દીઓનો રિપોર્ટ પેન્ડિગ રહેવા પામ્યો છે.