હારીજમાં ગટર બનાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધઃ વેપારીઓનો ચક્કાજામ
- નવિન માર્ગની થતી કામગીરી અંતર્ગત
- જૂની ગટર પર જ નવિન ગટર બનાવવાનો પ્રયાસ થતા વરસાદી પાણી દુકાનોમાં ઘુસવાનો ભય
રાધનપુર, તા. 24 જૂન 2020, બુધવાર
ચાણસ્માથી રાધનપુર સુધીના માર્ગની કામગીરી શરૃ કરવામાં આવેલ છે. જેને લઈને હારીજ હાઈવે પર વરસાદી પાણીના નિકાલ માટે નવિન ગટરની કામગીરી શરૃ કરવામાં આવી છે. ગટરની કામગીરી સામે શહેરીજનો અને વહેપારીઓમાં વિરોધનો સુર ઉઠવા પામ્યો હતો અને કામગીરી અટકાવવા હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું.
હારીજ હાઈવે પર નવીન ગટર બનાવવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો. અગાઉની જુની અંડરગ્રાઉન્ડ ગટર લાઈનની તોડફોડ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લી અને ઉંચી ગટર બનાવવાની કામગીરી કરવામાં આવતા પાલિકાના સત્તાધીશો અને વેપારીઓએ ગટરની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. વેપારી અને પાલિકાના સત્તાધીસોએ હાઈવે રોડ ઉપર બેસીને સુત્રોચ્ચાર કરીને વાહનો રોકીને હાઈવે ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યાનુસાર હારીજ હાઈવે રોડ અને ગટરનું કામ કરતી એજન્સી દ્વારા ચોક્કસ અને નિયમોનુસાર કરવામાં ના આવતું હોવાનું લોકોએ જણાવ્યું હતું. જ્યારે અત્યારે જે ગટરની કામગીરી કરવામાં આવી રહી છે તેની નીચે અગાઉ અંડરગ્રાઉન્ડ ગટર તંત્ર દ્વારા બનાવેલી હતી. અત્યારે નવિન ગટરની કામગીરી શરૃ કરવામાં આવી ચે તે ઉંચી બનાવવામાં આવતી હોવાને લઈને દુકાનો અને સોસાયટીઓના લેવલ નીચા થઈ જતા થોડા વરસાદમાં વરસાદી પાણી દુકાનો અને સોસાટીઓને ડુબાડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.