સિદ્ધપુરમાં પવન અને ગાજવીજ સાથે અઢી ઇંચ વરસાદ ખાબક્યો
- મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા બાજરી, જુવાર સહિતના લહેરાતા પાકને ભારે નુકસાનની ભીતિ
પાલનપુર, સિધ્ધપુર, તા.28
સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં ગુરુવારે દિવસ દરમિયાન
ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે સૌથી
વધુ અઢી ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કેટલાક રસ્તાઓ
પર ઝાડ પડતા રસ્તા બંધ થઈ જવા પામ્યા હતા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે
વરસાદ ખાબકતા ખેડૂતોના મોં માં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને બાજરી અને જુવાર જેવા
લહેરાતા પાકોને ભારે નુકશાન થવા પામ્યું હતું.
પાટણ જિલ્લામાં ૧૦ દિવસ અગાઉ તૌકતે વાવાઝોડું
ત્રાટકવાનું છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા જિલ્લાવાસીઓએ આગાહીને
લઈ પહેલાથી જ સાવચેત થઈ ગયા હતા.ત્યારે છેલ્લી ઘડીએ વાવાઝોડાએ દિશા બદલી દેતા
સિદ્ધપુર તાલુકામાં કોઈ પણ નુકશાન ન થતા લોકોએ રાહતનો દમ લીધો હતો.પરંતુ ગુરુવારે
પાટણ જિલ્લાના એકમાત્ર સિદ્ધપુર તાલુકામાં મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવી
જતા ભારે પવન સાથે સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો.
જેને લઈ શહેરમાં રેલવે
સ્ટેશન નાળુ,
નવાવાસ, ઉમા પાર્ક સોસાયટી, જૂની મિલની ચાર્લી
સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યાં હતા.તો પવનના કારણે પટ્ટણી
વાસમાં મકાનના પતરા ઉડયા હોવાનું પણ જાણવા મળ્યું હતું તેમજ વૃક્ષો ધરાશાયી થવાના
પણ બનાવો બન્યા હતા.ખાસ કરીને પવનના સુસવાટા સાથે ખાબકેલ વરસાદને કારણે ખેડૂતોને
ભારે નુકશાન થવા પામ્યું હતું.જેમાં ખેતરમાં બાજરી, જુવાર જેવા તૈયાર થઈ
ગયેલ પાકનો એક પળમાં સોથ વળી જતા ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાવા પામ્યો
હતો.
ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો
સિદ્ધપુર તાલુકામાં ગુરુવારે રાત્રે ૮ વાગ્યા પછી વાતાવરણમાં
એકા એક પલ્ટો આવી જતા ભારે પવન સાથે વરસાદ પડયો હતો જેને લઈ સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા, ઠાકરાસણ, તાવડીયા
સહિત આસપાસના ગામોમાં બાજરી, જુવાર જેવા લહેરાતા પાક એકાએક જમીન ભેગા થઈ ગયા હતા જેને
લઈ ખેડૂતોના મોમાં આવેલો કોળિયો પળવારમાં છીનવાઈ ગયો હતો.
દેથળી જવાના માર્ગ પર ઝાડ પડતા વાહનવ્યવહાર ઠપ્પ
સિદ્ધપુર તાલુકામાં ભારે પવનના કારણે ઠેર-ઠેર વૃક્ષો
ધરાશાયી થવાના બનાવો બન્યા હતા જેમાં સિધ્ધપુરથી દેથલી જવાના માર્ગ પર મહાકાય લીમડાનું
ઝાડ પડતા અમુક સમય સુધી રસ્તો બંધ થઈ ગયો હતો જેને લઈ ડિઝાસ્ટરની ટિમ દ્વારા રેસ્ક્યુ
કરી મોડી રાત્રે લીમડાના ઝાડને દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો.
સિદ્ધપુરના પટ્ટણીવાસમાં મકાનોના પતરા ઉડયા
સિદ્ધપુરમાં આવેલ પટ્ટણીવાસમાં ભારે પવનના કારણે મકાનોના
પતરા ઉડયા હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે નવાવાસ, ઉમા પાર્ક સોસાયટી, જૂની
મિલની ચાર્લી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું.