Get The App

બાસ્પા પાસે ગોઝારા અકસ્માતમાં સગર્ભા મહિલા સહિત ત્રણના મોત

- સમી-રાધનપુર હાઈવે પરની ઘટના

- પિયરમાંથી પત્નીને લઈને ઘરે પરત ફરતા પતિ અને પિતરાઈ ભાઈને જીપની ટક્કર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી

Updated: Nov 30th, 2021

GS TEAM

Google News
Google News
બાસ્પા પાસે ગોઝારા અકસ્માતમાં સગર્ભા મહિલા સહિત ત્રણના મોત 1 - image

હારીજ, તા.28

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ પણે વાહનો હંકારતા ચાલકો દ્વારા નાના-મોટા માગ અકસ્માતોના બનાવો સર્જાતા રહ્યા છે અને આવા માર્ગ અકસ્માતના બનાવો માં અનેક નિર્દોષ માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ સમી તાલુકાના બાસ્પા ગામ નજીક રવિવારની મોડી રાત્રે બન્યો હતો.  અજાણ્યા વાહનચાલકે બાઈક સવારોને અડફેટમાં લેતા બાઈક સવાર ત્રણેય ઇસમોને ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

પાટણ જિલ્લાના સમી નજીક રાધનપુર હાઇવે પરના બાસ્પા ગામને અડીને અકસ્માત થયો હતો. ગતરાત્રે સમી તાલુકાના કનીજ ગામનો યુવક ઠાકોર અશ્વિનજી પરબતભાઇ સાસરીમાંથી પરત ફરતા હતા. રાધનપુર નજીક ગોખાતર ગામેથીપત્ની જ્યોતિબેનને લઈને ઘરે પરત આવી રહ્યા હતા. ગર્ભવતી પત્ની સાથે હોઈ તેના પિતરાઇ ભાઇ શૈલેષજી ઠાકોરના બાઇકમાં પરત આવવા નિકળ્યા હતા. ભાઇ સાથે પત્નીને બાઇકમાં લઈ સમીના બાસ્પા ગામ નજીકની કેનાલ પાસે પહોંચતાં કાળનો ભોગ બન્યા હતા. કાળમુખા જીપડાલાના ડ્રાઈવરે ગફલતભરી રીતે હંકારી બાઇકને ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ગર્ભવતી પત્ની ઝાડીમાં પટકાઇ હતી. જ્યારે બે ભાઇઓને પણ ટક્કર વાગતાં રોડ પર પડી ગયા હતા. આ પછી સ્થાનિક આગેવાનને જાણ થતાં તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી હતી. જેમાં અશ્વિનજીના મોટાભાઇ ઘટનાસ્થળે આવી તાત્કાલિક ત્રણેયને સમી સરકારી દવાખાને લઈ ગયા હતા. દવાખાને સારવાર શરૃ થાય તે પહેલાં જ પતિ-પત્ની અને એક યુવકને મરણ જાહેર કરતાં પરિવારના માથે આભ ફાટી પડયું છે. ગર્ભવતી પત્ની સાથે પતિ અને પિતરાઇ ભાઇ સહિત ત્રણેયના મોત થતાં સમગ્ર વઢિયાર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માત કરનાર જીપડાલાનો ચાલક નાસી જતાં ચેહાભાઇ ઠાકોરની ફરિયાદ આધારે સમી પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Tags :