સાંતલપુરના પીંપરાળા નજીક કાળમુખી ટ્રકે અડફેટે લેતાં પાંચ ભેંસોનાં મોત
-કચ્છના બન્ની વિસ્તારમાંથી ઉત્તર ગુજરાતમાં હિજરત
રાધનપુર,તા.૨૬ ઓકટોમ્બર, ૨૦૧૮, શુક્રવાર
વરસાદના અભાવે કચ્છમાંથી પોતાના દુધાળા પશુઓને લઈને નીકળેલા
પશુપાલકને પીપરાળા નજીક અકસ્માત નડયો હતો. રોડ પરથી પસાર થતા પશુપાલક પર ટ્રેલર ચાલકે
પોતાનું ટ્રેલર ચડાવી દેતા પાંચ ભેંસોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે દસ ભેંસોને
ઈજાઓ થવા પામી હતી. અકસ્માતમાં પશુપાલકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
ઘાસચારાના અભાવે પશુઓના નિભાવ માટે કચ્છમાંથી મહેસાણા તરફ આવતા
અકસ્માત
કચ્છના આડેસર તાલુકામાં રહેતા પશુપાલક મધુભાઈ રબારી અને તેમના ભાઈ વીસેક ભેંસો લઈને વહેલી સવારે પોતાના ગામની નીકળ્યા હતા. પોતાના દુધાળા પશુઓના માટે ઘાસચારાની શોધમાં નીકળેલા પશુપાલકો મહેસાણા તરફ ભેંસોને લઈને જતા હતા ત્યારે સાંતલપુરતાલુકાના પીંપરાળા ગામ નજીક સવારે અગ્યાર વાગે પહોંચ્યા હતા ત્યારે ભેંસોને પાણી પીવડાવવા રોડની બીજી તરફ લઈ જતા હતા.
તે દરમિયાન સાંતલપુર તરફથી માતેલા સાંઢ જેમ આવતા ટ્રેલરના ચાલકે રોડ પરથી પસાર થતી ભેંસો પર પોતાનુ ટ્રેલર ચડાવી દીધું હતું.ટ્રેલરની ઝડપ વધારે હોવાને કારણે રોડ પરથી પસાર થતી ભેંસો ટ્રેલરના ટાયરમાં ફસાઈને દૂર સુધી રોડ સાથે ઘસાઈ હતી.
જેમાં પાંચ ભેંસોના સ્થળ પર મોત થયા હતા. જ્યારે દસ ભેંસોને ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માતમાં
પશુપાલકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. દુધાળાના પશુઓના કરુણ મોતથી પશુપાલકની હાલત કફોડી
બનવા પામી હતી.
કચ્છમાં વરસાદ ઓછો પડવાને કારણે દુષ્કાળની પરિસ્થિતિ પેદા થવા પામી છે. જે કચ્છના બન્ની વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાંથી પશુ પાલકો પોતાના પશુઓને નિભાવ માટે લઈ જતા હતા ત્યાં આજે ઘાસનુ તણખલુ પણ જોવા મળતું નથી. આવી દારુણ સ્થિતિમાં પોતાના દુધાળા પશુઓને બચાવવા પશુપાલકો કચ્છ છોડીને ઘાસચારો મળી રહે તેવા સ્થળે જઈ રહ્યા છે.
આવા જ એક પશુપાલક પોતાના દુધાળા પશુઓને દુષ્કાળથી બચાવવા ઘાસચારાની શોધમાં નીકળ્યા
હતા ત્યારે અકસ્માતમાં પોતાના પશુઓના રોડ પર મોત થતા પશુપાલકના માથે આભફાટી પડયું હતું.