રાધનપુરમાં દુકાનો ખોલવામાં આવતા પાલિકાએ બંધ કરાવી
- નગરપાલિકાના કર્મીઓએ દુકાનો બંધ કરાવી હતી
- ઓડ-ઇવન કાયદાનો ભંગ
રાધનપુર તા.22 મે 2020, શુક્રવાર
સરકારની ગાઇડ લાઇન મુજબ રાધનપુરમાં ઓડ ઇવન મુજબ દુકાનો ખોલવા વેપારીઓને સુચના આપવામાં આવી હતી. પરંતુ આજે નગરમાં વહેપારીઓ દ્વારા તમામ દુકાનો ખોલવામાં આવતા ઓડ ઇવનનો ભંગ કરનાર વહેપારીઓની દુકાન પાલિકા દ્વારા બંધ કરાવવામાં આવી હતી.
બે મહિનાના લોકડાઉન બાદ સરકાર દ્વારા વેપારીઓને ધંધા રોજગાર મુજબ દુકાનો ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવા હેતુંથી વહેપારીઓ એ ઓડ ઇવન મુજબ દુકાનો ખોલવાની સરકારે મંજુરી આપી હતી. સરકારની ગાઇડ લાઇન મુજબ રાધનપુર નગર પાલિકા દ્વારા નગરમાં ઉભી બજારમાં દુકાનોને ૧ અને ૨ નબરો આપવામાં આવ્યા હતા. જેમાં એકી તારીખે એક અને બેકી તારીખે બે નંબરની દુકાનો ખુલ્લી રાખવા સ્થાનિક અધિકારીઓએ તમામ વહેપારીઓને સુચના આપી હતી. રાધનપુર નગરમાં ઓડ ઇવન કાયદા મુજબ વહેપારીઓએ બે દિવસ દુકાનો ખોલી હતી. પરંતુ તા.૨૨ મી મેના સવારથી નગરમાં તમામ વહેપારીઓએ દુકાનો ખોલી નાખી હતી. જેના લઇને સોશિયલ ડિસ્ટન્સી નો ભંગ થયો હતો.
જે બાબત નગર પાલિકાને ધ્યને આવતા રાધનપુર નગરપાલિકાના કર્મચારીઓ ઓડ ઇવનના કાયદાનો ભંગ કરી નગરમાં ખોલવામાં આવેલ તમામ દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. સરકારની નવી ગાઇડ લાઇન મુજબ તમામ દુકાનો ખોવાની જાહેરાત થઇ હોવાથી વહેપારીઓ દ્વારા દલીલ કરવામાં આવી હતી. પરંતુ આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો ઓડ ઇવન મુજબ ખુલ્લી રાખવાનો નિયમ હોવાનું પાલિકા કર્મચારી હિતેષભાઇ ચૌધરીએ જણાવ્યું હતું. જ્યારે ખાંચામાં આવેલી દુકાનોને નંબર આપવામાં આવેલા નથી. જેના કારણે અંદરની દુકાનો રોજ રોજ ખોલવામાં આવેલ અને તેમની સામે કોઇજ કાર્યવાહી થતી ના હોવાથી વહેપારીએ રજુઆત કરતા હવે અંદરની દુકાનોને પણ નંબર લગાવીને નિયમ મુજબ ખોલાવવામાં આવશે તેવું આશ્વાશન પાલીકાના કર્મીઓએ આપ્યું હતું.