પાટણમાં થયેલ આંગડીયા પેઢીના કર્મીઓને લૂંટનો ભેદ ઉકેલાયો
- પાંચ આરોપીઓની ધરપકડ
- સકંજામાં આવેલા આરોપીઓ પાસેથી હિરા અને રોકડ સાથે રૂ.2.21 લાખની મત્તા મળી
મહેસાણા, પાટણ, તા.21 ઓગસ્ટ 2019, બુધવાર
પાટણ શહેરમાં એક્ટીવા ઉપર જઈ રહેલા આંગડીયા પેઢીના બે કર્મચારીઓને માર્ગમાં આંતરી બાઈક ઉપર આવેલા લૂંટારૃઓએ મરચાની ભૂકી નાખી રિવોલ્વરની અણી તાકી હિરા અને રોકડ મળી રૃ.૬.૬૪ લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેની તપાસ બાદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૃ.૨,૨૧,૫૦૦ની મત્તા રિકવર કરી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પાટણમાં આવેલ હિંગળાચાચરમાં સ્થિત વસંત અંબાલાલ આંગડીયા પેઢીના કર્મચારીઓ રાકેશભાઈ પટેલ અને ગણપતભાઈ પટેલ એક્ટીવા ઉપર હીરાના રૃ.૪.૧૨ લાખની કિંમતના ૧૫ પાર્સલ તેમજ રૃ.૨.૫૨ લાખની રોકડ ભરેલ થેલો લઈને જઈ રહ્યા હતા. તે વખતે માર્ગમાં રેલવે નાળુ પસાર કરી રહ્યા હતા ત્યારે એક બાઈક પર આવેલા બે હેલમેટ પહેરેલા અજાણ્યા સખશોએ તેમને આંતર્યા હતા અને આંખમાં મરચાની ભૂકી નાખી થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે થેલો ન છોડતાં છેવટે બાઈક સવારે આંગડીયાકર્મીના લમણે રિવોલ્વર તાકી હતી અને થેલો ઝુંટવી નાસી છૂટયા હતા. આ ઘટના અંગે પાટણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન આ કેસ ઉકેલવા પાટણના પોલીસ અધિક્ષક શોભા ભુતડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, મીસીંગ સેલ, સાયબર સેલ, બીડીવીઝન પોલીસની ટીમોએ લૂંટ કેસની તપાસ આરંભી હતી. જેમાં શહેરમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરતાં એક સ્વીફ્ટ કારની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. જેમાં અગાઉ મહેસાણા જિલ્લામાં થયેલ આંગડીયા લૂંટમાંસંડોવાયેલ ખેરાલુનો નિયાજ ઉર્ફે ચીનીયો હયતખાન પઠાણ ઓળખાયો હતો.
જેના આધારે પોલીસે પાટણ આંગડીયા પેઢીના બે કર્મચારીઓની લૂંટના કેસનો ભેદ ઉકેલી નાખી તેમાં સંડોવાયેલા નિયાજ ઉર્ફે ચીનીયો સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી હિરા અને રોકડ મળી કુલ રૃ.૨૨૧૫૦૦ની મત્તા કબજે લીધી હતી.
કેવી રીતે લૂંટનો ભેદ ઉકેલાયો
આંગડીયા પેઢીના કર્મીઓને આંતરી લૂંટ કરવામાં આવતાં પોલીસે પાટણ શહેરમાં વિવિધ સ્થળોએ લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. જેમાં બાઈક સવાર લૂંટારૃઓ સાથે કારમાં આવેલ વ્યક્તિ સાથે વાતચીત કરતા નજરે પડયા હતા. કાર સવારની ઓળખ થતાં તે અગાઉ મહેસાણા આંગડીયા લૂંટ કેસનો આરોપી હોવાનું ખૂલ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓ
૧. પઠાણ નિયાઝ ઉર્ફે ચીનીયો હયાતખાન,ખેરાલુ
૨. પ્રજાપતિ અંકીત બળદેવભાઈ, કડવાસણ
૩. ફકીર રમઝુશા ઈબ્રાહીમશા,ખેરાલુ
૪. ભાર્ગવ રાજેશભાઈ પટેલ, પાટણ
૫. આશીષ વસંતભાઈ સોની, ખેરાલુ
લૂંટ કરતા પહેલા રેકી કરવામાં આવી હતી
આંગડીયા લૂંટમાં ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે નફીસ ઉર્ફે એન.ડી.ડેલીગરા તેમજ ભાર્ગવ પટેલે લૂંટ અગાઉ રેકી કરી ટીપ્સ આપી હતી. ત્યારબાદ પોતાના અન્ય ૧૦ સાથીદારોએ લૂંટન અંજામ આપ્યો હતો. જ્યારે ભાગમાં આવેલા હીરા ખેરાલુના આશીષ સોનીને વેચાણ આપ્યા હોવાનું જણાવ્યું હતું.