પાટણમાં દબાણ હટાવ ઝુંબેશનો કેરેટો સળગાવી વિરોધ કરાયો
- રોડ ઉપર શાકભાજી નાખી દેતા મામલો બિચક્યો
- પાલિકાને ફક્ત નાના ધંધાર્થીઓમાં જ રસ, મોટા દબાણો ક્યારે દૂર થશે ?
પાટણ,તા.8 ઓગસ્ટ 2019, ગુરૂવાર
પાટણ નગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ શહેરના મુખ્ય માર્ગો પર દબાણ હટાવ ઝુંબેશનું નાટક કરવામાં આવતા ભારે હંગામો મચી ગયો હતો.
શહેરના બગવાડા ચોકથી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ગૌરવપથ ઉપર શાકભાજી તેમજ અન્ય લારીગલ્લાઓના દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની આ કામગીરીને લઈ સીટી પોઈન્ટ કોમ્પ્લેક્ષ નજીક ઉભેલ શાકભાજીની લારીઓવાલો દબાણ હટાવવા આવેલા કર્મચારીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી કેરેટો સળગાવી રોડ પર શાકભાજી નાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
દબાણ હટાવવાની કામગીરીના આ હંગામાને લઈ રસ્તા પર ટ્રાફિકનો ચક્કાજામ સર્જાયો હતો. તો આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાને કાબુમાં લીધો હતો.
નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણરૃપ ઉભા રહેતા લારીગલ્લાવાળાઓના દબાણને દુર કરી તેનો કાયમી ઉકેલ લાવવામા આવતો નથી. આજે બપોર બાદ પ્રમુખની સુચનાને અનુલક્ષીને દબાણ હટાવવાની કામગીરી કરતા લારીગલ્લાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.