સમી-શંખેશ્વરના ખેડૂતોએ ત્રીજા દિવસે પણ વિરોધ દર્શાવ્યો
- ટેકાના ભાવે ચણાની ખરીદીમાં કાપ મુકવામાં આવતા
- નાના ખેડૂતના 18 મણ અને મોટા ખેડૂતના માત્ર 27 મણ ચણાની ખરીદી કરવા સામે ખેડૂતોમાં આક્રોશ
રાધનપુર, તા. 03 જૂન 2020, બુધવાર
પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકામાં સાંપ્રત વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થયેલ છે. આ વિસ્તારના ખેડૂતોને સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની કરીદી કરવાની જાહેરાતથી ખેડૂતોને ચણાના પુરતા ભાવ મળવાની આશા બંધાઈ હતી. પરંતુ સરકાર દ્વારા ચણાની ખરીદીમાં કાપ મુકવામાં આવતા સરકારના તઘલખી નિર્ણય સામે પંથકના ખેડૂતો દ્વારા ત્રીજા દિવે પણ વિરોધ યથાવત રહ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને સમી અને શંખેશ્વરના ખેડૂતોએ ઓનલાઈન અરજીઓ કરી હતી. સરકાર દ્વારા શરૃઆતમાં ૧૨૫ મણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવ રૃપિયા. ૯૭૫ના ભાવે ચણા લેવાની જાહેરાત કરી હતી. પરંતુ પાછળથી સરકારના કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીમાં કાપ મુકવાનો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેને લઈને સમી અને સંખેશ્વર તાલુકાના ખેડૂતોએ તા. ૧લી જૂનના રોજ માનવ સાંકળ રચીને સરકારના તઘલખી નિર્ણયનો વિરોધ કર્યો હતો. ખેડૂતોનો અવાજ દબાવવા જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા પચાસેક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીમાં કાપ મુકવાની બાબત સામે ખેડૂતોએ વિરોધ ચાલુ રાખ્યો હતો. જેમાં છેલ્લા બે દિવસથી ઓનલાઈન ભરેલ ફોર્મ મુજબ નંબર પ્રમાણે ગુજકોમાસોલના વહીવટદારો દ્વારા ખેડૂતોને ફોન કરવામાં આવેલ. પરંતુ ખેડૂતો ચણા વેચવા ના આવીને સરકારનો વિરોધ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યાનુસાર સરકાર દ્વારા નાના ખેડૂત પાસેથી માત્ર ૧૮ મણ અને મોટા ખેડૂત પાસેથી માત્ર ૨૭ મણ જ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.
જેનો અમો વિરોધ કરી રહ્યા છીએ. ખેડૂતોને ૧૮ મણ અને ૨૭ મણ ચણા વાહનોમાં સમી અને શંખેશ્વર લાવવા મોંઘા પડે છે. જ્યારે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ૧૦૦ ટકા ચણાની ખરીદી કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી. સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાના સેન્ટર ઉપર આજે ત્રીજા દિવસે પણ ખેડૂતોએ ચણા વેચ્યા ન હતા અને ખેડૂતો પોતાની માગ પર અડગ રહ્યા હતા. જ્યારે આજે સમીમાં ખુલ્લી બજારમાં ૭૨૦થી ૭૬૦ના ભાવ પડયા અને કેટલાક ખેડૂતોએ ખુલ્લી બજારમાં ચણા વેચ્યા હતા. પરંતુ સરકારી ખરીદી કેન્દ્ર પર ચણા ના વેચીને સરકાર સામે વિરોધ યથાવત રાખ્યો હતો.