માસ્ક વગર ફરતા લોકો સામે પગલા ભરવા કલેક્ટરને રજુઆત કરાઈ
- કોરોનાના શંકાસ્પદ દર્દીઓ મુદ્દે આઈએમએના તબીબોની ચિમકી
- શંકાસ્પદ દર્દીઓ સિદ્ધપુર શહેરમાં ફરી રહ્યા છેઃ ર્ડાક્ટરો
પાલનપુર,તા.18 જૂન 2020, ગુરૂવાર
પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેને લઈ સિદ્ધપુર શહેરમાં માસ્ક વિના ફરતા લોકો સામે ર્ડાક્ટરોએ આવેદનપત્ર આપવું પડયું છે. સિદ્ધપુરમાં લોકડાઉન દરમિયાન લોકો સાવચેતીના ભાગરૃપે માસ્ક વિના બહાર નીકળતા જ નહોતા પરંતુ ખરેખર જ્યારે હવે કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું છે ત્યારે લોકો બેફામ માસ્ક વિના શહેરમાં ફરી રહ્યા છે. જ્યારે ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ પણ સરકારની ગાઈડ લાઈન મુજબ ઉચ્ચ અધિકારીથી માંડીને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માસ્કવિના ફરતા લોકોને ૨૦૦ રૃ.દંડ ફટકારવાની સૂચના આપવામાં આવી છે. તેમછતાં સિદ્ધપુરમાં માસ્ક વિના ફરતા લોકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેને કારણે શહેરમાં મોટેભાગે કોરોનાના શંકાસ્પદ દર્દીઓ ફરી રહ્યા હોવાનું ર્ડાક્ટરઓએ જણાવ્યું હતું. વધુમાં ર્ડાક્ટરોએ જણાવ્યું હતું કે શહેરમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં આવે ત્યારે અમો દ્વારા ધારપુર ખાતે રિપોર્ટ કરાવવાનું જણાવતા હોવાછતાં લોકો રિપોર્ટ કરાવ્યા વગર શહેરમાં ખુલ્લેઆમ ફરી કોરોનાનું સંક્રમણ ફેલાવી રહ્યા છે. જેથી માસ્ક પહેર્યા વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી સમયમાં સિદ્ધપુર આઈએમએના ર્ડાક્ટરો હોસ્પિટલ બંધ કરી રસ્તા પર આવી લોકોમાં માસ્ક, સેનેટાઈઝ તેમજ સોશ્યલ ડિસ્ટન્સ સહિતની જાગૃતતા માટે રસ્તા પર આવવાનું આઈએમએના ર્ડા.અનિસ મન્સુરીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક દિવસથી લોકો શહેરમાં માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે. જેમાં સરકારી કચેરીઓમાં પણ લોકો ટોળું વળીને માસ્ક પહેર્યા વિના ઉભા હોવાછતાં પોલીસ કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ, પ્રાંત કચેરીના અધિકારીઓ દ્વારા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધારવાની રાહ જોઈ રહ્યા હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેને લઈ શહેરમાં કોરોનાના કેસો વધશે તો જવાબદાર કોણ રહેશે?