શંખલપુર ધામે 7માં પાટોત્સવમાં આનંદના ગરબાની ધુન ગુંજશે
- શ્રીબાલા ત્રિપુરા સુંદરી બહુચરાજીમાતાનો
- રવિવારે સવારે નવચંડીયજ્ઞા સાંજે પૂર્ણહુતિ થશે
ચાણસ્મા તા.01 ફેબ્રુઆરી 2020, શનિવાર
શ્રી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીના શંખલપુર ગામે આવેલા ૫૨૦૦ વર્ષ પ્રાચીન આદ્યસ્થાકમાં મૈયાને મૂર્તિરૃપે બિરાજમાન કર્યાનો ૭મો પાટોત્સવ મહા સુદ ૮ને રવિવાર તા.૨/૨/૨૦૨૦ના રોજ યોજાનાર છે. આ નિમિતે નવચંડી યજ્ઞા અને ૨૪ કલાક આનંદના ગરબાની મહાધુન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પાટોત્સવને લઇ મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી સજાવટ કરવામાં આવી છે.
શ્રી ટોડા બહુચરાજી માતાજી મંદિર શંખલપુર ટ્રસ્ટના ચેરમેન કાળિદાસ પટેલ, મંત્રી અમૃતભાઇ પટેલ અને ટ્રસ્ટી મોહનભાઇ દેસાઇના જણાવ્યા મુજબ ચુંવાળ પિઠાધિશ્વરી રાજ રાજેશ્વરી બહુચર મૈયાના સાતમા પાટોત્સવ પ્રસંગે રવિવારે ૯ વાગે નવચંડી યજ્ઞાનો પ્રારંભ થશે. જેની પૂર્ણાહુતિ સાંજના ૪.૩૦ કલાકે થશે. આ સાથે અખંડ આનંદના ગરબાની ૨૪ કલાકની મહાધુન પણ યોજાશે. જેનો પ્રારંભ સવારે ૧૦ કલાકે થશે અને પૂર્ણાહુતિ બીજા દિવસે સોમવારે સવારે ૧૦ વાગે થશે. આનંદ ગરબાની મહાધુનમાં રાજ્યભરમાંથી ૧૫૦થી વધુ ગરબા મંડળો ભાગ લેનાર છે. પાટોત્સવને લઇ હાલ ભક્ત સમુદાયમાં ભારે ઉમંગ અને ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. આ પાવન અવસરે માતાજીના દર્શન કરવા માટે રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જેને લઇ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.