રાધનપુરના કમાલપુરમાં એક સપ્તાહમાં જ સાત ભેંસો, બે ગાયોના મોત
- પશુપાલન તંત્ર ઘોર નિદ્રામાં, પશુપાલકો ચિંતાતુર
- ઘાસચારાના અભાવે ખેતરોના સેઢે ઉગેલા શુકુ ઘાસ ખાવાથી પશુઓ મરતા હોવાનું અનુમાન
રાધનપુર, તા. 24 જુલાઈ 2019, બુધવાર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના(સાતુન)કમાલપુર ગામમાં એક સપ્તાહમાં સાત ભેંસો અને બે ગાયોના શુકુ ઘાસ ખાવાને કારણે મેણો ચડવા થી મોત થતા પશુ પાલકોમાં ફફડાટ ફેલાયો છે. દુષ્કાળનો સામનો કરતા પશુ પાલકોના દુધાળા પશુઓના મોત બાબતે તંત્ર દ્વારા દરકાર કરવામાં ના આવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં રહેતા પશુ પાલકોના એક સપ્તાહમાં સાત ભેંસો અને બે ગાયના મોત થયા હતા. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પશુ પાલકો પાસે પશુઓના નિભાવ માટે ઘાસચારો ના હોવાને કારણે મહામુલા પશુઓને મજબુરી થી ખેતરોમાં ચરાવવા લઇ જવા પડે છે. ખેતરોના સેઢે ઉગેલુ શુકુ ઘાસ ખાવાને કારણે પશુઓને મેણો ચડે છે. જેના કારણે પશુઓના મોત થતા હોવાનું પશુ પાલકોએ જણાવ્યું હતું. અને માત્ર છ દીવસમાં ગામમાં સાત ભેંસો અને બે ગાયના મેણો ચડવાને કારણે મોત થયા હોવાનું તાલુકા પંચાયતના સદસ્યઅ શીવાભાઇએ જણાવ્યું હતું. જેમાં છ દિવસ પહેલા રાવળ ભલમાભાઇ રાજાભાઇ ની બેં ભેંસોના મોત થયા હતા.
ત્યારબાદ ભરવાડ મફાભાઇ રણછોડભાઇ એક ભેંસનું અને ઠાકોર કાળુભાઇ જાતમભાઇ બે ગાયોના મોત થયા હતા. જ્યારે ગત રોજ ભરવાડ રમેશભાઇ શીવાભાઇ ની બેં ભેંસો મેણો ચડવાને કારણે મુત્યુ પામી હતી. ગામમાં પશુ પાલકોના દુધાળા પશુઓના મોત બાબતે તંત્રને જાણ કરવા છતા આજ દીન સુંધી કોઇ અધીકારી કે વેટરની ડોકટરે ગામમાં આવી પશુઓની તપાસ કરી ના હોવાનું પણ ગામલોકોએ જણાવ્યું હતું.
રાધનપુર તાલુકામાં ગત ચોમાસામાં નહિવત વરસાદ પડવાને કારણે સમગ્ર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. અને રાજ્ય સરકાર દ્વારા તાલુકામાં ઘાસ ડેપો શરૃ કરવાની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ ઘાસ ડેપો માત્ર કાગળ પરજ ચાલતા હોય તેમ પશુ પાલકોને ઘાસ ચારો સમયસર મળતો ના હોવાની વખતો વખત રજુઆતો કરવામાં આવી હતી. કમલપુર નજીક આવેલ ગોતરકા ગામે સરકાર દ્વારા ઘાસ ડેપો શરૃ કરેલ છે. પરંતુ પશુ પાલકોને આ ડેપો પરથી ઘાસ મળતુ ના હોવાને કારણે પશુઓને શુકુ ઘાસ ચરાવવાની ફરજ પડે છે. જેના કારણે પશુઓના મોત થયા હોવાનું પણ પશુ પાલકોએ જણાવ્યું હતું.