Get The App

રાધનપુર તાલુકાના ત્રણ ગામોમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની વિકટ સમસ્યા

- તળાવનું દુષિત પાણી પીવા મજબૂર અલ્હાબાદના લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત

Updated: Apr 30th, 2020

GS TEAM

Google News
Google News
રાધનપુર તાલુકાના ત્રણ ગામોમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની વિકટ સમસ્યા 1 - image

રાધનપુર,તા.29 એપ્રિલ 2020, બુધવાર

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ત્રણ ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં પાણી ના આવતા અલ્હાબાદ ગામના લોકો રોગચાળાની સમસ્યાના નિવારણ માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં ના આવતા ગામની મહિલાઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

રાધનપુર તાલુકાના નવા પોરાણા, વિજય નગર અને અલ્હાબાદ ગામોને પાણી પુરુ પાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘરવડી ગામેથી પાણીની પાઈપ લાઈન નાખવામાં આવેલ છે. ખેતરોમાંથી પસાર થતી પીવાના પાણીની પાઈપ લાઈનમાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ગેરકાયદેસર કનેક્શનો લેવામાં આવતા ત્રણ ગામોમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઉભી થવા પામી હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું. જ્યારે અલ્હાબાદ ગામની મહિલાઓના જણાવ્યાનુસાર ઉનાળામાં પાણીની પાઈપ લાઈનમાં પીવાનું પાણી આવતું નથી અને આજુબાજુમાં નજીક ક્યાંય ખેતરમાં બોર પણ નથી. એટલે અમારે ગામ તળાવનું ગંદુ પાણી પીવા માટે ના છૂટકે ઘેર લઈ જવું પડે છે. ગામના માલેતુજારો રૃપિયા ખર્ચીને ટેન્કર મંગાવે છે. પરંતુ ગરીબ માણસો પાસે પૈસા ના હોવાને કારણે ગામ તળાવનું પાણી પીવું પડતું હોવાનું તળાવે પાણી ભરવા આવેલા મંગુબેને જણાવ્યું હતું. જ્યારે અલ્હાબાદના કાન્તીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગામને પાણી પુરુ પાડતી પાણીની પાઈપ લાઈનમાં ખેડૂતોએ ખેતરોમાં ગેરકાયદેસર કનેક્શનો કરીને ખેતરોમાં પાણીનો વેડફાટ કરતા હોવાને કારણે ત્રણ ગામોને પાણી મળતું નથી. અને આ બાબતે અમોએ ગામના સરપંચ તેમજ તાલુકાની કચેરીમાં રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાણીની સમસ્યાનું કોઈ જ નિવારણ લાવવામાં આવેલ નથી. જેના કારણે ગામની મહિલાઓને પાણી ભરવા ખરા તાપમાં માથે બેડા લઈને દૂરદૂર સુધી રખડવું પડે છે. ગામને પાણી પુરુ પાડતી પાઈપ લાઈનમાં ખેડૂતોએ કરેલા ગેરકાયદેસર કનેક્શનો કાપવામાં આવે તો જ ત્રણેય ગામોના લોકોને પુરતું પાણી મળી રહેશે તેવું પણ લોકોએ જણાવ્યું હતું. જો ગામમાં પાણીની સમસ્યાનું નિવારણ તાત્કાલિક લાવવામાં નહી આવે તો તળાવનું દુષિત પાણી પીવાને કારણે ગામ લોકોમાં ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત હોવાનું લાલાભાઈએ જણાવ્યું હતું.

અનિયમિતતાને કારણે નિરાકરણ થતું નથી

તાલુકા વિકાસ અધિકારી પાટણને રાધનપુર તાલુકા પંચાયતનો ચાર્જ આપવામાં આવેલ હોઈ તેઓની અનિયમીતતાને કારણે તાલુકામાં સર્જાયેલ પાણીની સમસ્યા તેમજ અન્ય સમસ્યાઓનું નિવાર થતું નથી. લોકો પોતાની રજૂઆતો લઈને અહીં આવે છે પરંતુ જવાબદાર અધિકારી હાજર ના હોવાને કારણે કોઈ જ કામગીરી થતી ના હોવાનું તાલુકા પંચાયતના કારોબારી સુરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું.

Tags :