Get The App

મહારાષ્ટ્રની યુવતીને વારાહીમાં વેચીઃ વારંવાર બળાત્કાર કરાયો

- યુવતીએ મહિલા હેલ્પલાઈનની મદદ માગી

- વિજાપુર તાલુકાના કોટડી ગામની મહિલાએ યુવતી સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા સવા લાખમાં વેચી

Updated: Mar 15th, 2020

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રની યુવતીને વારાહીમાં વેચીઃ વારંવાર બળાત્કાર કરાયો 1 - image

રાધનપુર, તા. 14 માર્ચ 2020, શનિવાર

વિજાપુર તાલુકાના કોટડી ગામની મહિલા દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાની યુવતીને સારા અને સુખી પરિવાર સાથે લગ્ન કરાવવાની લાલચ આપી વિશ્વાસઘાત કરીને વારાહી ખાતે વેચવામાં આવી હતી.  યુવતીને વારાહીના પરિવાર દ્વારા બળજબરીપૂર્વક ઘરમાં ગોંધી રાખીને એક યુવક દ્વારા વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને આ બાબતે પીડિત યુવતીએ વારાહી પોલીસને જાણ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટડી ગામે રહેતા ઉષાબેન ઠાકોર દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદની ૨૫ વર્ષની યુવતીને ત્રણેક માસ અગાઉ લગ્ન માટે સુખી ઘર અને સારો છોકરો બતાવવાની વાત કરીને વિશ્વાસમાં લીધી હતી અને વારાહીના આંબેડકરવાસમાં રહેતો પરિવાર ખુબ સારો હોવાનું અને તેમના પુત્ર સાથે લગ્ન કરાવવાન ીલાલચ આપીને ઉષાબેને યુવતીને વિશ્વાસમાં લઈ રૃપિયા ૧,૨૫,૦૦૦ માં વારાહી ખાતે વેચી મારી હતી. યુવતીને વારાહી ખાતે આવ્યા બાદ ખબર પડી હતી કે પોતાની સાથે ઉષાબેન દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને સારા છોકરા સાથે લગ્ન કરાવવાની વાત કરી હતી. તેના બદે સુરેશ કાન્તિભાઈ રાણાવા સાથે   રહેવા મજબુર કરવામાં આવી હતી.

જ્યારે વારાહી ખાતે રહેતા પરિવાર દ્વારા યુવતીને બળજબરીપૂર્વક ઘરના રૃમમાં ગોંધી રાખી હતી અને છેલ્લા બે માસથી સુરેશ કાન્તીભાઈ રાણાવા દ્વારા યુવતીની મરજી વિરુધ્ધ  બળજબરીપૂર્વક વારંવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો. જ્યારે યુવતીનું આધારકાર્ડ તેમજ મોબાઈલ પણ પરિવાર દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા અને આ બાબતે કોઈને પણ જાણ કરે તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. અસહ્ય ત્રાસથી કંટાળેલી યુવતીએ અત્યાચારથી છુટકારો મેલવવા અગાઉ બે વાર મહિલા હેલ્પાઈનમાં ફોન કરીને જાણ કરી હતી. પરંતુ પરિવારને ખબર પડતી એટલે યુવતી દ્વારા ઉપયોગમાં લેવાયેલ  ફોન બંધ કરીને રૃમમાં પુરી દેવામાં આવતી હોવાને કારણે તપાસ કરવા જનારને કંઈ જ મળતું ન હતું. આમ પરિવારની ચાલાકીને કારણે પિડીત યુવતીની મદદ લઈ શકતી ના હતી. પરંતુ ત્રીજાવાર યુવતી દ્વારા મહિલા હેલ્પલાઈનમાં ફરિાદ કરવામાં આવતા પોલીસે યુવતીના જણાવ્યા મુજબ એડ્રેસ પર જઈને તપાસ કરતા પીડિત યુવતી પોલીસને મળી આવી હતી અને યુવતીની ફરિયાદ આધારે વારાહી પોલીસે (૧) ઉષાબેન ઠાકોર, રહે. કોટડી (૨) મણીબેન કાન્તીભાઈ રાણાવા (૩) પ્રેમીલાબેન રાણાભાઈ મકવાણા (૪) સુરેશભાઈ કાન્તિભાઈ રાણાવા (૫) ભરતભાઈ કાન્તિભાઈ રાણાવા (૬) મનુભાઈ કાન્તિભાઈ રાણાવા (૭) નવિનભાઈ ઉર્ફે ઢગો કાન્તિભાઈ રાણાવા (૮) જયેશભાઈ વાલાભાઈ મકવાણા તમામ રહે. વારાહી આંબેડકરવાસ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચાલાક પરિવાર દ્વારા ફોન બંધ કરતા યુવતીને મદદ ના મળી

પીડિત યુવતીએ મદદ માટે અગાઉ બે વાર મહિલા હેલ્પલાઈનમાં ફોન કર્યો હતો. પરંતુ ચાલાક પરિવારના સભ્યોને ખ્યાલ આવી જતા અને ફોન નંબર બંધ કરીને યુવતીને રૃમમાં પુરી દેવામાં આવતી હતી. અગાઉ પોલીસ તપાસ કરવા ગઈ હતી પરંતુ ફોન નંબર બંધ આવતો હોઈ પીડિત યુવતીને મદદ મળી શકી ન હતી. જ્યારે ત્રીજી વખત ફોન ચાલુ રહેતા પીડિત યુવતીનો છુટકારો થવા પામ્યો હતો.

Tags :