આરોગ્ય ખાતાની જગ્યામાં રાધનપુર નગરપાલિકાએ કબજો જમાવ્યો
- 25 ક્વાર્ટસ તરીકે ઓળખાતી જગ્યાનો વરંડો પાડી પાલિકા પાર્કીંગ બનાવવાની વેતરણમાં
રાધનપુર, તા. 21 ડિસેમ્બર 2018, શુક્રવાર
રાધનપુર ખાતે નગરપાલિકામાં સત્તા કરતા લોકોએ નગરમાં પાલિકાની એક તસુ પણ જગ્યા વધવા દીધી નથી ત્યારે પાલિકાના બેફામ બનેલા સત્તાધીશો હવે સરકારી જગ્યાઓ કબજે કરવાનો મનસુબો હોય તેમ જુની આરોગ્ય ખાતાની જમીન પર કબજો કરી પાર્કીંગ બનાવવાની વેતરણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
રાધનપુર નવી પોસ્ટ ઓફીસ પાછળ આવેલ આરોગ્ય ખાતાની પચ્ચીસ ક્વાર્ટસ તરીકે ઓળખાતી જગ્યામાં પહેલા સરકારી રેફરલમાં નોકરી કરતા સ્ટાફના લોકો રહેતા હતા. પરંતુ કેટલા વરસ પહેલા આ ક્વાર્ટસ પડી ગયા બાદ આ જગ્યા પડી હતી.
નગરના વચ્ચે આવેલ આરોગ્ય ખાતાના કબજાની જગ્યા પર હાલના નગરપાલિકાના સત્તાધિશોની દાનત બગડી હતી અને આરોગ્ય ખાતાની જગ્યામાં પાર્કિંગ બનાવવાનું છે તેમ કહી પાલિકાના અધિકારીએ આરોગ્ય ખાતાની જગ્યાનો વરંડો તોડી પડાવ્યો હતો અને આ જગ્યામાં આરોગ્ય ખાતાના કોઇ પણ અધિકારીની મંજુરી વગર પાલિકાના અધિકારીએ માટી નાખવાનો હુકમ કર્યો હતો.
આરોગ્ય ખાતાની મંજુરી વગર જગ્યામાં માટી નાખવાનું શરૃ કરવામાં આવ્યુ હતું. જ્યારે આ બાબતે સ્થાનિક આરોગ્ય અધિકારીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે અમારી જગ્યામાં નગરપાલિકા દ્વારા માટી નાખવામાં આવી હોવાનું અમોને કબર નથી અને આ બાબતે અમો તપાસ કરાવીશું તેવું સ્થાનિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે પાલિકાએ આરોગ્ય તંત્રની કોઈપણ મંજુરી ના લીધી હોવાનું અને માટી નાખવાનું બીલ ૧૪ મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી ચુકવ્યું હોવાનું પાલિકાના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
નગરપાલિકા દ્વારા આરોગ્ય તંત્રની જાણ બહાર વરંડો તોડીને જગ્યામાં માટી નાખી ગેરકાયદેસર કબજો કર્યો હોવાનું અહીં રહેતા લોકોએ જણાવ્યું હતું. અહીં પાર્કીંગ બનાવે તો અહીં બહારના વાહન આવે અને અમારા બાળકો અહીં રમતા હોવાને કારણે ક્યારેક અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ થશે તેવું અહીંના લોકોએ જણાવ્યું હતું. રાધનપુર નગરપાલિકાએ ગેરકાયદેસર કબજે કરેલ જગ્યા બાબતે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી.
અત્રે નોંધનીય છે કે પાલિકા તંત્ર દ્વારા માટી નાખવાના બીલ ૧૪ મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી ચુકવણી કરી હોય તો તેની પણ તપાસ થવી જોઈએ. કેમકે માટી કામના વાર્ષિક ભાવો મંજુર થયેલા છે. જેના ભાવો મંજુર થયા છે તેન ાબદલે માટી બીજા કોન્ટ્રાક્ટર પાસે નંકાવી માટી કામના બીલમાં પણ ગોટાળો થયો હોવાનું પાલિકા સદસ્યનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.