રાધનપુર નગરપાલિકાનુ 50 લાખનુ બીલ બાકી, નવું વીજ જોડાણ આપવાનો ઈન્કાર
- પાણીના બે સંપો અને ભૂગર્ભ ગટરના પંપીગ સ્ટેશનો શરુ કરવા નવિન જોડાણ માંગ્યા હતા
રાધનપુર,તા. 18
નવેમ્બર 2019, સોમવાર
રાધનપુર નગરપાલિકા દ્વારા નવિન છ વીજ કનેક્શનોની માંગ
કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકા દ્વારા રેગ્યુલર બીલો સમયસર ભરવામાં ના આવતા હોઈ
તેમજ જુના પચાસ લાખથી વધારેના બીલની રકમ બાકી હોવાને કારણે યુજીવીસીએલ દ્વારા
નગરપાલિકાને નવિન કનેક્શનો આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકાનો વહિવટ સાવ ખાડે ગયેલો
હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાનું પચાસ લાખથી વધુનું
વીજ બીલ બાકી હોવાછતાં બાકી નીકળતી રકમની ભરપાઈ બાબતે નગરપાલિકાના શાસકો દ્વારા
કોઈ જ ગંભીરતા લેવામાં ના આવતા યુજીવીસીએલ કચેરી દ્વારા પાલિકા સામે સખત કાર્યવાહી
કરી હતી. જેમાં થોડા સમય અગાઉ નગરપાલિકાના બાકી નીકળતી રકમની ભરપાઈ બાબતે
યુજીવીસીએલ દ્વારા પાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. બાકી બીલની
રકમમાંથી થોડા રૃપિયાની નગરપાલિકા દ્વારા ભરપાઈ કરવામાં આવતા બે દિવસ બાદ કચેરીનું
વીજ કનેક્શન જોડવામાં આવ્યું હતું. હજુ તો આ વાતને એક માસ જેટલો સમય થયો નથી
ત્યારે રાધનપુર નગરપાલિકા દ્વારા નવા બનાવેલ બે સંપ તેમજ ભૂગર્ભ ગટરના ચાર પંપીગ
સ્ટેશનો શરુ કરવા નવીન છ વિજ કનેક્શનોની માંગ રાધનપુર યુજીવીસીએલ દ્વારા નવિન
કનેક્શનો નહી આપવા બાબતે નગરપાલિકાને લેખીત જાણ કરવામાં આવી હતી. રાધનપુર
નગરપાલિકાના જુના વિજ બીલની રૃપિયા પચાસ લાખથી વધુની રકમ બાકી હોવાનું અને નગર
પાલિકાને આપવામાં આવતા વીજ બીલો સમયસર ભરપાઈ કરવામાં ના આવતી હોવાને કારણે નવીન
વીજ કનેક્શનો આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હોવાનું યુજીવીસીએલ કચેરીના કર્મચારીએ
જણાવ્યું હતું. રાધનપુર નગરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પાંચેક વરસથી ચાલી રહી છે.
જેની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં પણ શરુ થયેલ નથી. જ્યારે ભૂગર્ભ ગટરના પંપીગ
સ્ટેશનો શરુ કરવા નવિન વિજ જોડાણ આપવા બાબતે યુજીવીસીએલ કચેરીએ ઈન્કાર કરતા ભૂગર્ભ
ગટર હવે ક્યારે શરુ થશે તેનો યોગ્ય જવાબ પાલિકાના અધિકારીઓ પાસે પણ નથી.
વિજબીલની પચાસ લાખથી વધુની રકમ બાકી નીકળે છે
રાધનપુર નગરપાલિકાના વિજબીલના પચાસ લાખથી વધુની રકમ બાકી
નીકળે છે. જ્યારે રેગ્યુલર વીજ બીલો પણ નગરપાલિકા દ્વારા સમયસર ભરપાઈ કરવામાં આવતા
નથી. જેના કારણે નવિન કનેક્શનો આપવાની અમારી કચેરી દ્વારા લેખીત ઈન્કાર કરવામાં
આવેલ હોવાનું જુનીયર ઈજનેર સોલંકીએ જણાવ્યું હતું.