Updated: Jul 8th, 2022
રાધનપુર,તા.07
સાતલપુર પોલીસ સ્ટેશનની હદમાં આયાતી કોલસામાં હલકી ગુણવત્તાવાળી
માટી મિશ્રણ કરવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર
દ્વારા રેડ કરી રૃપિયા બે કરોડ ઉપરાંતના વાહનો તેમજ કોલસાના જથ્થા સાથે ૬ આરોપીઓને
ઝડપી પાડયા હતા. આ કૌભાંડમાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા સાંતલપુર પોલીસ સબ
ઇન્સ્પેકટર એનડી પરમારને જિલ્લા પોલીસવડા દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા..
સાંતલપુર તાલુકાના બાબરા પાટીયા પાસે આવેલ સાતમાં મેલ નજીક મુકેશદાન પ્રેમદાન ગઢવી ની માલિકીની જગ્યામાં આયાતી કોલસામાં હલકા પ્રકારની માટીનું મિશ્રણ કરવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ના સ્ટાફ દ્વારા દસેક દિવસ અગાઉ રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન આયાતી કોલસામાં હલકા પ્રકારની માટીનું મિશ્રણ કરવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું અને સ્થળ પરથી રૃપિયા ૫૫ લાખ ઉપરાંતનો કોલસો તથા માટી સાથે ત્રણ ટ્રેલર એક લોડર એક હિટાચી કાર બાઈક સહિત રૃપિયા ૨,૧૬,૩૫,૦૦૦ બે કરોડ સોળ લાખ પાંત્રીસ હજાર ના મુદ્દામાલ સાથે છ આરોપીઓ સ્થળ પરથી ઝડપાયા હતા.
જ્યારે આ કૌભાંડમાં
સામેલ બીજા ૧૨ આરોપીઓ રેડ દરમિયાન સ્થળ પર હાજર ન હતા. સાતલપુર પોલીસ સ્ટેશનની હદમાં
હાઇવેને અડીને આવેલ જગ્યામાં આયાતી કોલસામાં ભેળસેળ કરવાના ચાલતા મસ મોટા કૌભાંડમાં
સ્થાનિક પોલીની બેદરકારી સામે આવી હતી. જેને લઈને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સાતલપુર
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન ડી પરમારને પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજ મોકુફ કરાયાના
સમાચારથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.