એશિયાના સૌથી મોટા સોલાર પાર્કની કંપનીના ચોકીદારો ચોર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
- સાંતલપુર ચારણકા સોલાર પાર્કમાંથી કોપર વાયર ચોરીનું કૌભાંડ ઝડપાયું
રાધનપુર,તા.5 ફેબ્રુઆરી 2019, મંગળવાર
પાટણ જિલ્લાના છેવાડે બનાવવામાં આવેલ એશિયાના મોટા સોલાર પાર્કમાં વાયર ચોરીનું મસમોટું કૌભાંડ ચાલતું હતું. સોલાર કંપનીઓમાંથી વાયરો ચોરી થવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી હતી. જેમાં સોલાર કંપનીના ચોકીદારો સાથે મળી વાયર ચોરી લઈ જતા ઈસમોને પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર સાંતલપુર તાલુકામાં પાટણ એલસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચારણકા ખાતે આવેલ સોલાર કંપનીના ચોકીદાર કેટલાક બહારના માણસો સાથે મળી કોયરના વાયર ચોરી કરાવતા હોવાની બાતમી મળતા પોલીસે પાટણકા રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે એક પીકઅપ ડાલુ આવેલ જે પોલીસને શંકાસ્પદ જણાતા ડાલાને રોકવા પોલીસે કોશીશ કરતા પીકઅપ ડાલાના ચાલકે ભગાવ્યું હતું. પોલીસે પીછો કર્યો હતો. ચાલકે પોતાનુ ડાલુ સીધાડા ગામે મુકીને ભાગવા જતા ડાલામાં બેઠેલા દોલતખાન કનુજી બાવાજી ઠેબા તથા હનીફ જુસબ ઠેબા બન્ને રહે.સીદાડાવાળા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે ઈસ્માઈલ હાસમ ઠેબા રહે.સીધાડાવાળો અંધારાનો લાભ લઈ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.
પીકઅપ ડાલામાં તપાસ હાથ ધરતા કોપર વાયરના 15 ડ્રમ પોલીસને મળી આવ્યા હતા. જ્યારે પીકઅપ ડાલા સહિત રુપિયા 7,50,000નો મુદ્દામાલ પકડી પાડયો હતો. જ્યારે પોલીસે ઝડપેલા બે ઈસમોને પુછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં સોલાર કંપનીના ચોકીદારોએ સાથે રહીને વાયરો ભરાવાયા હતા. પોલીસે ચારણકા ખાતે જઈને સોલાર કંપનીના ચોકીદાર બાબુભાઈ પેથાભાઈ આહીર, બળદેવ તેજાભાઈ રબારી તથા ઝાલાભાઈ વીભાભાઈ રબારી તમામ રહે.ચારણકા, તા.સાંતલપુર વાળાને મહેબુબખાન મલેક રહે.વારાહીવાળાઓ કોપરવાયર ચોરી કરવા સમયે કોઈ આવી ના જાય તેના માટે વોચ પેટ્રોલીંગ કરતા હોવાનું પકડાયેલ આરોપીઓે પોલીસને જણાવ્યું હતું. સોલાર કંપનીના ત્રણ ચોકીદારો સહિત પાંચ ઈસમોને કોપર વાયર ચોરી બાબતે કાયદેસર ગુનો દાખલ કરી એલસીબીએ સાંતલપુર પોલીસને સોંપ્યા હતા.