સાંતલપુરના આંતરિયાળ 20 ગામના લોકાનો પાણી માટે રઝળપાટ
- સરકારના પોકળ દાવાઓ વચ્ચે ટેન્કર રાજ
- પાટણ જિલ્લામાં ફરીથી સક્રિય બનેલા ટેન્કરોની સુવિધાએ કોંગ્રેસ સરકારની યાદ અપાવી દીધી
પાલનપુર,તા. 28 એપ્રિલ 2019, રવિવાર
પાટણ જિલ્લાનું છેલ્લું એવાલ ગામથી લઈ નાના રણવાળા અંતરિયાળ ૨૦ જેટલા ગામડાઓમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે છતાં પ્રજાને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને ગામમાં પાણીના સ્થળો સુકાભટ ભાસી રહ્યા છે ત્યારે પ્રજા સહિત મહામુલુ પશુધન પાણી વિના પોકાર કરી રહ્યું છે ત્યારે ભરઉનાળે પાણી માટે મહિલાઓ ઝાડી ઝાંખરમાં ફરી પાણી મેળવતા દ્રશ્યો જળ એ જ જીવનના કથનને સાર્થક કરી સરકારના વિકાસની વાસ્તવિકતાનું પ્રતિબિંબ બતાવી રહ્યા છે.
પાટણ જિલ્લામાં વર્ષોથી પાણીને ઝંખતો અંતરિયાળ વિસ્તાર વાળો સાંતલપુર તાલુકામાં આઝાદીના સાત દાયકા બાદ આજે પણ ગામડાઓમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. આ ગામોમાં પાણી પહોંચાડવા માટે નાખેલ પાઈપોમાં પાણીના સ્ત્રોત ઓછા હોઈ પાણી જ મળતું નથી તો કેનાલોમાંથી કરેલા કનેક્શન પણ કાપી લેવામાં આવતા મહદઅંશે મળતું પાણી ભરઉનાળે બંધ થઈ જવા પામ્યું છે ત્યારે પાટણ જિલ્લાનું છેલ્લુ ગામ એવાલમાં પણ પ્રજા માટે પાણી નથી ત્યારે આ ગામોમાં મોટાભાગે લોકો પશુપાલન આધારિત છે ત્યારે તેમના પશુઓને જીવાડવા માટે પાણી જ ના હોઈ અંતરિયાળ અને ઝાડ ઝાંખરીમાં રઝળપાટ કરી મહિલાઓ પાણી મેળવી રહી છે.
તેમજ જિલ્લાના લોટીયા ગામે પાણી ના હોઈ લોકો ગામ તળાવમાંથી પાણી પી રહ્યા છે અને આ તળાવમાં એક બાજુ પશુઓ નાહતા હોય છે અને બીજી બાજુ લોકો પીવા માટે પાણી ભરતા તેમજ કોઈ ગામમાં પાણીની લૂંટ તો વીરડો ગાળી પાણી ભરતી પનિહારીના પાણીના પોકાર કરતા વરવા દ્રશ્યો ગામની સમસ્યાનો ચિતાર બતાવે છે. આમ જિલ્લામાં ૨૦ જેટલા ગામોમાં હાલમાં પાણીની વિકટ સમસ્યાથી પીડાઈ રહ્યો છે ત્યારે તંત્રનો ૯ કરોડના પાણી અછત પ્લાન ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
વર્ષોથી આસપાસ ક્યાંય પાણી જ નથી તો શું કરીએઃ લખાસર મહિલાઓ
અમે વર્ષોથી ગામમાં પાણી માટે વલખા મારીએ છીએ અને આસપાસ ક્યાંય પાણી ના હોઈ અમારે ના છૂટકે પાણી વહેચાતુ મંગાવવું પડે છે અને પાણીના પણ પૈસા આપવા પડે છે. અમે અનેકવાર અનેક લોકોને રજુઆત કરી છે પરંતુ પાણી મળ્યું જ નથી. જેથી અમે હવે કેટલાય વર્ષોથી પાણીના ટેન્કરવાળાઓ પાસેથી ખરીદીએ છીએ અને જીવનનિર્વાહ કરીએ છીએ.
ટેન્કર દીઠ 400 રૂપિયા ખર્ચવા પડે છે
લખાસર પરાના કનુભાઈ દરબાર ટેન્કરના માલિકે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાય સમયથી આ પરામાં પાણીનું ટેન્કર લઈને આવું છું. તેમને પાણી જ ના હોઈ હું આઠ, દશ કિલોમીટર દૂર કેનાલમાંથી ટેન્કરનું પાણી ભરી લાવું છું અને મારે પણ ડીઝલનો ખર્ચ થતો હોઈ સેવાના ભાગ ફક્ત ૪૦૦ રૃપિયા જ ટેન્કરના લોકો પાસેથી લઉં છું. મને મારો ખર્ચ ઉપરાંત થોડો નફો થાય છે જેથી સેવા સાથે વેપાર પણ થઈ જાય છે.
આજે પણ જિલ્લામાં ટેન્કર રાજ ચાલે છે
રાજ્ય સરકાર દ્વારા ટેન્કર પ્રથા બંધ કરી હોવાના દાવા કરે છે અને ઘેર ઘેર પાણી મળે છે તેવા બણગા ફુંકવામાં આવી રહ્યા છે ત્યારે સાંતલપુર તાલુકામાં સાત દાયકા બાદ પણ ટેન્કર રાજ મારફતે જ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા ૨૦ લાખના ખર્ચે ૪૩ જેટલા ગામોને સરકારી અને પ્રાઈવેટ ટેન્કરો મારપતે ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
ટેન્કર આવતા જ લોકો પાણી ભરવા તૂટી પડે છે
સાંતલપુર તાલુકામાં દોડતા આ ટેન્કર ગામોમાં પાણી ભરી જાય છે ત્યારે અંતરિયાળ વિસ્તાર હોઈ એક ફેરામાં જ લાંબો સમય વહી જતો હોઈ એક ગામ માટે એક પાણીનું ટેન્કર જાય છે અને ગામમાં પાણી ભરવા માટે બનાવેલ સંપમાં નાખવામાં આવે છે ત્યારે પાણીની કાગડોળે રાહ જોઈ બેસેલ સમગ્ર ગામ પાણી ભરવા તૂટી પડે છે અને લોકોને ભાગે પીવા માટે માંડ પરિવારને પીવાય તેટલું પાણી હાથમાં આવે છે.
પશુઓ માટે પાણી જ નથીઃ એવાલના ગ્રામજનો
અંતરિયાળ આ ગામોમાં કોઈ અન્ય વ્યવસાય ના હોઈ પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે આ ગામોમાં પ્રજા માટે પાણી નથી ત્યારે પશુઓને ક્યાંથી મળે અને પાણીના અભાવે ગામમાં પશુઓ માટે આવેલા હવાડા પણ પાણી વિના સુકાભઠ ભાસી રહ્યા છે અને પશુઓ પાણી માટે વિલોપાત કરી રહ્યા છે ત્યારે માલિકો કિલોમીટર પગપાળા વિસ્તારોમાં ફરી પાણી લાવી પશુઓની તરસ છીપાવી રહ્યા છે.
પાણી વિના તરસ્યા ગામો
એવાલ, બકુત્રા, આલુવાસ, જાખોત્રા, રાજુસરા, આંતરનેશ, રાણીસરા, ગરામડી, કીલાણા, વાદળીથર, લખાસર