પાટણમાં આકાશમાંથી કાચુ સોનુ વરસ્યું, ચાર ઈંચ ખાબક્યો
- સરસ્વતી તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ
- માત્ર 4 ઈંચ વરસાદ પાટણ શહેરને કર્યું જળ બંબાકાર, ઠેર-ઠેર પાણી ભરાયાઃ ખેતી લાયક વરસાદ
પાટણ,તા.9 ઓગસ્ટ 2019, શુક્રવાર
હવામાન વિભાગ દ્વારા ૯ અને ૧૦ ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી અને હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતવાસીઓ પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા પાટણ જિલ્લો દુષ્કાળની ચિંતા કરાવતો હતો તેમાં રાહત થઈ છે. ગત મધ્યરાત્રીથી શુક્રવારના સવારના ૧૨ વાગ્યા સુધીમાં જિલ્લામાં શ્રીકાર વર્ષા થઈ હતી. અને ખેડૂતોની ભાષામાં કાચુ સોનુ વરસ્યું જેને લઈ પાકને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં લીલોતરીના કારણે ઘાસ ચારની સમસ્યા પણ થોડા અંશે હલ થઈ છે. પાટણ શહેરની વાત કરીએ તો પાટણ શહેરમાં ૪ ઈંચ વરસાદે સમગ્ર શહેરને જળબંબાકાર કરી દીધું છે.
શહેરના નીચાણવાળા અને પરંપરાગત પાણી ભરાતા વિસ્તારોમાં રેલવે ગરનાળુ હાલમાં બનાવેલ નવીન બસસ્ટન્ડ, સિદ્ધપુર ચોકડી, શ્રમજીવી મુખ્ય બજાર, સોનીવાડો, મીરા દરવાજા, રાજકાવાડો, કાલીબજાર, પારેવા સર્કલ, કોલેજ જવાના રસ્તે નવું નાળુ છલોછલ ભરાયા સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા પાટણની પાલિકાની ટીમ પાટણની પ્રિ-મોન્સુન કામગીરીની પોલી ખુલી હતી. તો પાટણ માટે હંમેશા જ્યાં પાણી ભરાય છે તે બીએમ સ્કૂલ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા. સ્કૂલના મેદાનમાં પાણી આવી ગયા હતા ત્યારે સવારની પાળીમાં આવેલ વિદ્યાર્થીઓને સુરક્ષાના ભાગરૃપે રજા અપાઈ હતી. જ્યારે બપોરની પાલીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ પહોંચવું મુશ્કેલ પડતા રજા જાહેર કરાઈ હતી. આમ જનજીવન પર અસર જોવા મળી હતી. પાટણના દક્ષિણ વિસ્તારના પાણીને પદ્મનાભ તરફ જવા માટે વર્ષો જૂની પદ્ધતિ હોઈ ઉત્તર તરફના ભાગે આવેલ કેનાલ ભરાતા છલકાઈ હતી.
વાતાવરણમાં ઠંડક પ્રસરી
પાટણ શહેરને મોડે મોડે મેઘરાજાએ પધરામણી કરતા નગરજનોમાં ખુશી વ્યાપી હતી અને શ્રાવણના સરવરીયાને બદલે આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને નગરજનો જે ગરમીનો અહેસાસ કરા હતા તેમાં ઠંડકનો માહોલ સર્જાયો હતો.
નદી-નાળામાં નવા નીર આવ્યા
જિલ્લામાં વરસાદ સાર્વત્રીક વરસાદથી નદી-નાળા, વોહળામાં નવા નીર આવ્યા તા. બોતરવાડા પાસે આવેલ રૃપેણ નદીની ફાટમાં પાણી આવતા નદી ખળભળ વહેતા પાણીથી જીવંત બની હતી.
પાટણ જિલ્લાના વરસાદી આંકડા (મીમી)
પાટણ ૯૭
સિદ્ધપુર ૩૦
સરસ્વતી ૧૩૩
ચાણસ્મા ૧૭
હારીજ ૧૧૫
સમી ૬૬
શંખેશ્વર ૪૪
રાધનપુર ૨૬
સાંતલપુર ૧૨