પાટણ ધારાસભ્ય અને ઈસી મેમ્બર વચ્ચે છૂટા હાથે મારામારી
- ઉ.ગુ. યુનિવર્સિટીમાં ભ્રષ્ટ્રાચારના મામલે
- પાટણમાં જાહેર માર્ગ ઉપર સર્જાયેલ હાઈવોલ્ટેજ ડ્રામાથી લોકોમાં કુતૂહલ
મહેસાણા,પાટણ,તા.7 માર્ચ 2019, ગુરૂવાર
પાટણ ખાતેની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીના કુલપતિની હકાલપટ્ટી બાદ બીજા દિવસે પાટણના જાહેર માર્ગ ઉપર કથિત ભ્રષ્ટ્રાચારના મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને ઈસી મેમ્બર વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાની ચર્ચા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. બીજી તરફ, આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતાં સામસામે આક્ષેપ-પ્રતિ આક્ષેપો થયા હતા.
પાટણ યુનિવર્સિટીમાં થયેલા રૃ.10 કરોડના બાંધકામના કામમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૃ.9 લાખ લેવાના મામલે વિવાદ સર્જાયો હતો. જેમાં સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ યુનિવર્સિટીના ઈસી મેમ્બર શૈલેષ પટેલ તથા સેનેટ સભ્ય અને ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરવામાં આવ્યા હતા. ગુરુવારના રોજ સ્પષ્ટતા કરવા માટે પાટણના રાજમહેલ રોડ પરના વિશ્વાસ કોમ્પલેક્ષમાં આવેલ ધારાસભ્યના કાર્યાલયે સ્પષ્ટતા કરવા માટે શૈલેષ પટેલ અને મનોજ પટેલ પહોંચ્યા હતા. વાતચીતનો દોર શરુ થાય તે પહેલાં જ ધારાસભ્ય કિરીટ પટેલ અને ઈસી મેમ્બર શૈલેષ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૃ થઈ હતી અને જોતજોતામાં બન્નેના સમર્થકો આમને સામને આવી જતાં છૂટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.
જેના પગલે રોડ ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. વળી, રોડ વચ્ચે બે આગેવાનો જૂથો બાખડતાં નગરજનોના ટોળા કુતૂહલવશ ઘટનાસ્થળે એકઠા થયા હતા. જોકે, પોલીસનો કાફલો અહીં આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું.
સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપો સાથે ફરિયાદો થઈ
પાટણમાં સ્થાનિક ધારાસભ્ય અને ઈસી મેમ્બર વચ્ચે સર્જાયેલ ઝઘડો પોલસ મથકે પહોંચ્યો હતો. આ મામલે બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ધારાસભ્યએ શૈલેષ પટેલ અને મનોજ પટેલ સામે જ્યારે શૈલેષ પટેલે કિરીટ પટેલ અને કલ્પેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
ધારાસભ્યએ ભ્રષ્ટાચાર કર્યો છેઃ શૈલેષ પટેલ
પાટણ યુનિવર્સિટીના ઈસી મેમ્બર શૈલેષ પટેલે સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલને ભ્રષ્ટાચારી હોવાનું જણાવી યુનિવર્સિટીમાં થયેલા બાંધકામના ટેન્ડરમાં રૃ.૯ લાખ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવેઃ ધારાસભ્ય
પોતાની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોન્ટ્રાક્ટરે મને ૯ લાખ રૃપિયા આપ્યા હોય તો આક્ષેપ કરનારા સાબિત કરી આપે તેવું કહી ભ્રષ્ટાચારનો છેદ ઉડાડયો હતો.