Get The App

પાટણ જિલ્લો સતત બીજા વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા એવોર્ડ માટે પસંદગી પામ્યો

- કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા

- દિલ્હી ખાતે યોજાનાર સમારંભમાં પાટણને સ્વચ્છતા એવોર્ડ એનાયત કરાશે

Updated: Nov 11th, 2019

GS TEAM

Google News
Google News
પાટણ જિલ્લો સતત બીજા વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા એવોર્ડ માટે પસંદગી પામ્યો 1 - image

પાટણ,તા. 10 નવેમ્બર 2019, રવિવાર

પાટણ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં આખુ વર્ષ કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ૨૫ જેટલા નામોમાં સ્વચ્છતા અંગે કેન્દ્ર સરકારની ટીમો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ જાહેર કરવામાં આવતાં સતત બીજા વર્ષે પણ સ્વચ્છતાના એવોર્ડ માટે ગુજરાતમાં ત્રણ જિલ્લામાંથી પાટણ જિલ્લો રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો છે.

પાટણ જિલ્લામાં વર્ષ ૨૦૧૫માં યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામિણમાં પાટણ જિલ્લો ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યો હતો અને દેશમાં સ્વચ્છતા એવોર્ડ માટે બીજા ક્રમે પસંદગી પામ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે ૨૦૧૯માં પણ કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા પાટણ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી માટે જિલ્લામાં ૨૫ થી ૩૦ ગામોને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ એજન્સીના કર્મચારીઓ દ્વારા સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેન્દ્રની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ, આંગણવાડી, પંચાયત ઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિગેરે જાહેર સ્થળો પર સ્વચ્છતા અંગે અને શૌચાલયના ઉપયોગ અંગે અભિપ્રાયો મેળવ્યા હતા. તેનો રિપોર્ટ સરકારને સુપરત કર્યો હતો ત્યારે આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ગુજરાતમાંથી ત્રણ જિલ્લાઓની રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા એવોર્ડ માટે પસંદગી થઈ છે. જેમાં પાટણ, મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સ્વચ્છતા સર્વેક્ષણના જુદાજુદા એવોર્ડ માટે પસંદગી થવા પામી છે.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે ગત વર્ષે પણ પાટણ જિલ્લાની સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે પણ પાટણ જિલ્લાની સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ માટે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે. તો ગૌરવ લેવા જેવી બાબત છે તેમજ આગામી ૧૯મી નવેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે પ્રવાસી ભારતીય કેન્દ્ર યોજનારા એવોર્ડ સમારંભમાં પાટણ જિલ્લાને દેશના ગ્રામ્ય વિકાસ મંત્રીના હસ્તે એવોર્ડ મળનાર છે. અને પાટણ જિલ્લાને આ એવોર્ડ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Tags :