પાટણ જિલ્લામાં વાવાઝોડું ફુંકાતા ઘરોના પતરા ઉડયાઃ 10 વૃક્ષો ધરાશાયી થયાઃ એક પશુનું મોત
- રાત્રીના 8 વાગ્યા પછી વાવાઝોડું શરૃ થયું
- પાટણમાં મકાન પર વીજળી પડીઃ 6 તાલુકામાં 112 એમએમ વરસાદ વરસ્યોઃ ત્રણ તાલુકામાં ધૂળની ડમરીઓ ઉડી
પાલનપુર, પાટણ, તા. 13 જૂન 2019, ગુરૂવાર
પાટણ જિલ્લામાં રાત્રે વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી અને તેજ પવન સાથે વરસાદ શરૃ થતાં વાવાઝોડું ફુંકાયું હતું. જેમાં કાચા મકાનોના પતરા ઉડવા સહિત ઠેર ઠેર આઠથી દસ સ્થળો પર રસ્તાઓ પર વૃક્ષો સાથે વીજ થાંભલાઓ ધરાશાયી થવા પામ્યા હતા. તો વાવાઝોડામાં એક પશુનું મોત સિવાય સદનસીબે કોઈ અન્ય જાનહાનિ થવા પામી ન હતી.
સમગ્ર રાજ્યમાં બુધવારના રોજ રાત્રે ૮ વાગ્યા બાદ વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ હતી. જેમાં એકાએક તેજ પવન ફૂંકાતા ધુળિયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સાથે વરસાદ શરૃ થતા વાવાઝોડું ફુંકાયું હતું અને તેજન પવન ફુંકાતા રાજપુર, રૃની સહિત વિવિધ પાંચ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. સિધ્ધપુરના આંકવી ગામના ભાળકીયા પરામાં ત્રણ વીજળીના થાંભલા પડયા, રાધનપુરના સાતુન ગામે તબેલા સહિત ચાર કાચા મકાનોના તેમજ સિધ્ધપુરના મુડાણા ગામ ત્રણ મકાનોના પતરા ઉડયા . પતરા ઉડતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તેમજ કાકોશી ગામે લીમડો વીજ વાયરો ઉપર પડતા ત્રણ થાંભલા ધરાશાયી, સિધ્ધપુરના સેદ્રાણા ગામે વીજળી પડવાથી બકરીનું મોત, સાંઈ સૃષ્ટિ સોસાયટીમાં રાવળ વસંતભાઈના મકાન પર વીજળી ત્રાટકી હતી.
જેને લઈ ઘરનું વાયરીંગ બળી ગયું હતું. પરંતુ પરિવારનો આબાદ બચાવ તયો હતો. હારીજ, પાટણ હાઈવે પર એક વૃક્ષ પર વીજળી પડતા વૃક્ષમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. તો વાવઝોડા દરમ્યાન પાટણ જિલ્લામાં લાઈટો ડૂલ થઈ જતા લોકોમાં વાવાઝોડાને લઈ ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે તંત્ર ખડેપગે રહી સત્વરે હાઈવે પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવાની કામગીરી હાથ ધરતા માર્ગો ખુલ્લા કરાયા હતા. તો વીજ તંત્રની ટીમો પણ તાત્કાલિક કામે લાગતા કલાકમાં વીજ પુરવઠો શરૃ થઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.