પાટણ જિલ્લાના તલાટી કમમંત્રીનું નામ ખુલતા ડીડીઓએ તપાસનો દોર શરૃ કર્યો
- બિન સચિવાલય પેપરલીક મામલે
- છેલ્લા 15 દિવસથી તલાટી અન્ડર ગ્રાઉન્ડઃ ફરજ પર આવ્યા જ નથીઃ તલાટી પકડાય તો અનેકના પગ તળે રેલો આવશે
પાટણ,તા.26 ડીસેમ્બર 2019, ગુરૂવાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલયની પરીક્ષામાં જે પેપર લીંક થયું છે. તેમાં પાટણના તલાટીની સંડોવણી ખુલી છે જેમાં ડીડીઓએ તપાસનો દોર ચાલુ કર્યાનું જાણવા મળ્યું છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા ગત મહિને લેવાયેલ બિન સચિવાલય પરિક્ષામાં પેપર લીક થતા ઉમેદવારોમાં હોબાળો થયો હતો અને ગાંધીનગરમાં ધામા નાખી આંદોલનનુ શસ્ત્ર ઉગામ્યું હતું. અને વિરોધ વધી જતા આખરે સરકારે સીટની રચના કરી હતી અને સીટની તપાસમાં જ્યારે સમગ્ર કૌભાંડનો ભેદ ખુલ્યો તેમાં ૬ વ્યક્તિઓના નામ ખુલ્યા હતા. આ છમાંથી એક શખશ પાટણ જિલ્લામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. બિનસચિવાલય પેપર લીંક કૌભાંડમાં પેપર ફોડવામાં પ્રવિણદાન ગઢવીનું નામ ખુલ્યું હતું. આ પ્રવિણદાન ગઢવી પાટણ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવે છે. હાલ તે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસરા ગામે ફરજ બજાવે છે. આ પ્રવિણદાનનુ નામ ખુલતા આજે પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખે તપાસના આદેશ આપ્યા છે. પ્રવિણદાન ગઢવી છેલ્લા ૧૫ દિવસથી અન્ડર ગ્રાઉન્ડ થયો છે. અને ફરજ પર હાજર રહ્યા નથી. મળતી વિગતો અનુસાર પ્રવિણદાન ગઢવીએ પેપર લીંક કર્યાનું બહાર આવ્યું છે. ત્યારે કોંગ્રેસ ભાજપના આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે પેપર લીંગ મામલો જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે.