ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 25 જૂનથી જુલાઈ દરમિયાન પરિક્ષાઓ યોજાશે
- કોરોના મહામારીમાં બંધ રહેલી હતી
- બે કલાકની પરિક્ષામાં 4 પ્રશ્નો હશે જે પૈકી ત્રણના જવાબ લખવાના રહેશે
પાટણ,તા.03 જૂન 2020, બુધવાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને મુલકતવી રખાયેલ સ્નાતક કક્ષાની શંખેશ્વર-૬ની તેમજ અનુસ્નાતક કક્ષાએ પ્રથમ અને બીજા વર્ષની સેમેસ્ટર-૨ અને ૪ની પરીક્ષાઓ આગામી જૂન અને જુલાઈ માસમાં લેવનાર હોવાનું સમય પત્રક આજે જાહેર કરાયું હતું. તા.૨૫ જૂનથી ૧૦ જુલાઈ સુધી પરિક્ષાઓ ચાલશે.
યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ પરિક્ષાની તારીખોમાં સ્નાતક (યુ.જી.) કક્ષાએ સેમેસ્ટર-૬ની પરિક્ષાઓ તા.૨૫-૬-૨૦૨૦થી તથા અનુસ્નાતક કક્ષામાં પ્રથમ અને બીજા વર્ષના અનુક્રમે સેમેસ્ટર-૨ અને ૪ પરીક્ષાઓ તા.૧૪-૭-૨૦૨૦થી શરૃ થશે.
પરીક્ષાઓ બે કલાકની રહેશે અને કુલ ૪ પ્રશ્નો હશે જે પૈકી ગમે તે ત્રણ પ્રશ્નો લખવાના રહેશે. પરિક્ષાખંડમાં એક પાટલી પર ફક્ત એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે અને જેણે માસ્ક પહેર્યો નહી હોય તેને પરીક્ષા કેન્દ્ર દ્વારા રૃ.૨૦૦ દંડ વસુલવામાં આવશે. જે અભ્યાસક્રમમાં પ્રવેશ સ્નાતક પછી મેળવેલ હોય તે તમામ અભ્યાસક્રમની સેમેસ્ટર-૨ અને ૪ની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ મુકવામાં આવશે. સ્નાતક કક્ષાની સેમેસ્ટર-૬ અને અનુસ્નાતકકક્ષાની સેમેસ્ટર-૨ અને ૪ની જે વિષયમાં પ્રેક્ટીકલ પરિક્ષા લેવાની થકી હોય તે લેવાશે.
નર્સિંગની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે
હોમિયોપેથીકની રેગ્યુલર પરીક્ષા જુલાઈના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવશે. એમબીબીએસ ડેન્ટલ અને ફીઝીયોથેરાપી તથા આર્કીટેક્ચરની તમામ પરિક્ષાઓ જુલાઈમાં લેવાશે. નર્સિંગની પરિક્ષાનો સપ્ટેમ્બર માસમાં લેવામાં આવશે.