મોટી પીંપળીમાં દસ લાખ લિટરનો સંપ ખુલ્લો હોવાથી બેદરકારી
- રાધનપુર પાણી પુરવઠા તંત્ર ભર નિદ્રામાં
- તાલુકાના ગામના લોકોને ઉપરથી તૂટેલા સંપનું પાણી આપવામાં આવતા રોગચાળાની દહેશત
રાધનપુર, તા.28 ઓગસ્ટ 2019, બુધવાર
રાધનપુર પાણી પુરવઠા કચેરી અંતર્ગત મોટી પીંપળી હેડવર્કસ ખાતે આવેલ દસ લાખ લીટર પાણીનો સંપ ઉપરથી તુટી જતાં ખુલ્લો થઈ જવા પામ્યો છે. ઉપરથી ખુલ્લા સંપનું પાણી ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતા પાણી પુરવઠા કચેરીની ગંભીર બેદરકારી સામે આવી હતી.
મોટી પીંપળી ખાતે નેશનલ હાઈવેને અડીને આવેલ રાધનપુર, સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાનું હેડ વર્કસ આવેલ છે. મોટી પીંપળી ખાતેના હેડ વર્કસમાં દસ લાખ લીટરનો સંપ બનાવવામાં આવેલો છે. આ સંપ છેલ્લા કેટલાક સમયથી ઉપરથી તુટી જતા ખુલ્લો થઈ જવા પામ્યો છે. ઉપરથી ખુલ્લો થઈ ગયેલ સંપનું પાણી તાલુકાના દસેક ગામોમાં પાણી પુરવઠા દ્વારા સપ્લાય કરવામાં આવી રહ્યું છે. મોટી પીંપળી હેડ વર્કસ ખાતેના સંપનો ઉપરનો ભાગ લગભગ છ માસ અગાઉ તુટી જવા પામ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. છ માસથી ઉપરથી તુટેલા સંપનું પાણી લોકોને આપવામાં આવતું હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. ઉપરથી સંપ ખુલ્લો હોવાને કારણે ઝેરી જાનવર કે પક્ષી અંદર પડે તો સંપનું પાણી પીતા ગામના લોકો ભયંકર રોગચાળામાં સપડાય તેવી દહેશત સેવાઈ રહી છે.
જ્યારે ઉપરથી તુટેલા સંપ બાબતે પાણી પુરવઠાના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર બી.જી. ભાવસારે જણાવ્યું હતું કે નવીન પંપ બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે અને થોડા સમયમાં નવો સંપ બની જશે. પરંતુ અત્યારે ઉપરથી તુટેલા સંપનું પાણી લોકોને આપવામાં આવતું હોવા બાબતે તપાસ કરાવવાની વાત કરી હતી. છેલ્લા છ માસથી સંપનો ઉપરનો ભાગ તુટી જવાને કારણે ખુલ્લા સંપનું પાણી દસેક ગામને આપવામાં આવતું હોવા છતાં તપાસ કરાવવાની વાત કરતા પાણી પુરવઠાના અધિકારીઓની બેદરકારી છતી થવા પામી છે.