Get The App

સિંંચાઇ માટે પાણી છોડાતા નર્મદા કેનાલો તૂટી ઃ ખેતરો બેટમાં ફેરવાયા

-રાધનપુર તાલુકાના દેલાણા ગુલાબપુરા નજીક

-જીરૃ, એરંડા અને કપાસના વાવેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી હાલત

Updated: Nov 4th, 2018

GS TEAM

Google News
Google News
સિંંચાઇ માટે પાણી છોડાતા નર્મદા કેનાલો તૂટી ઃ  ખેતરો બેટમાં ફેરવાયા 1 - image

રાધનપુર, તા. 3 નવેમ્બર, 2018, શનિવાર

રાધનપુર તાલુકામાં સિંચાઈ માટે બે દિવસ અગાઉ નર્મદા કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી  તાલુકાના અંતરીયાળ ગામોમાં બનાવેલી કેનાલોમાં પહોંચતા જ કેનાલો તુટી હતી. પાણી વધારે છોડવામાં આવતા કેનાલો ઉપરથી પાણી વહેતું હોવાને કારણે કેનાલો તુટી હતી. કેનાલોમાં પાણી આવતા કેનાલો તુટવાથી સરકારે ખેડૂતોના હિતમાં છોડેલ પાણી ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થવા પામ્યું હતું.

રાધનપુર સબ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી  દેલાણા આર.એસ.બી.સી.  કેનાલનું પાણી ખેતરો તેમજ પડતર જગ્યામાં ફરી વળ્યા હતા અને સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે છોડવામાં આવેલું  હજારો લીટર પાણી વેડફાયું હતું.

જ્યારે ગુલાબપુર નજીક ગડસાઈ ડીસ્ટ્રીક્ટ કેનાલમાં પણ પાણી આવતા કેનાલ તુટી જવા પામી હતી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર કેનાલમાં વધારે પડતું પાણી છોડવામાં આવતા પાણી કેનાલ ઉપરથી વહેતું હતું.

પાણી વધારે પડતું છોડવામાં આવતા કેનાલ તુટી જશે તેવું  જણાતા  સ્થાનિક નર્મદાના અધિકારીઓને આ બાબતે ફોન કરીને ગતરોજ જાણ કરી હતી. પરંતુ નર્મદાના અધિકારીઓને  રજુઆત ધ્યાને ના લેતા આજે કેનાલ તુટી હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું.

કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવીને ખેતરમાં કરેલા જીરૃ, એરંડા તથા કપાસના વાવેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું હોવાનું આહીર દેશુળભાઈએ જણાવ્યું હતું.

જ્યારે ગોતરકાના ખેડૂત મણીરાજભાઈએ પોતાના ખેતરમાં વાવેલા જારના પુળા વાઢીને ગોઠવેલા હતા અને ખેતરમાં પાણી ફરી વળતા તમામ પુળા પલળી જતા તેમને પણ મોટું નુકસાન થયું હતું. સરકાર દ્વારા સિંચાઈ માટે છોડવામાં આવેલા પાણીથી કેનાલો તુટવાને કારણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને પડતા પર પાટુ જેવી હાલત થવા પામી છે.

Tags :