ઉ.ગુ. યુનિવર્સિટીના કુલપતિ સામે ધારાસભ્યએ એસીબીમાં ફરિયાદ કરતા ખળભળાટ
-ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરવાના આક્ષેપ સાથે
-સ્વનિર્ભર કોલેજના કેટલાક સંચાલકોને પ્રવેશ ફી લેવામાં ઈરાદાપૂર્વક છૂટછાટ આપી : પોતાના પુત્રને પ્રોફેસરની નોકરી અપાવી
ઊંઝા,તા.૧૯ ઓકટોમ્બર
૨૦૧૮, શુક્રવાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ હોદ્દાનો
દુરુપયોગ કરી પોતાના પુત્રને નોકરી અપાવવાથી લઈને બી.એડ્. સ્વનિર્ભર કોલેજોના કેટલાક
સંચાલકોને પ્રવેશ ફી લેવામાં આડકતરી રીતે ઈરાદાપૂર્વક છૂટછાટ આપી ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત
કર્યાના આક્ષેપો કરી ત્રણ ફરિયાદોની વિગતો સાથે મુખ્યમંત્રી તેમજ લાંચ રૃશ્વત ખાતાને
તપાસકરવા માંગ કરતાં શિક્ષણ વર્તુળોમાં ભારે વિવાદાસ્પદ મુદ્દો બન્યો છે.
પાટણ ધારાસભ્ય ર્ડા.કિરીટ પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી તેમજ લાંચ રૃશ્વત ખાતાને લેખિત ફરિયાદ આપી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ર્ડા.બાબુ પ્રજાપતિ સામે આક્ષેપો કર્યા છે કે તેઓએ કુલપતિ તરીકેની સત્તાનો દુરુપયોગ કરી આર્કિટેક્ટ વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા એસઈબીસી કેટેગરીમાં મુકી યેનકેન પ્રકારે નોન-ક્રીમીલેયરનુ સર્ટીના મદદથી તેમના પુત્રને આસીસ્ટન્ટ પ્રોફેસરની નોકરી અપાવી છે.
આ ઉપરાંત સ્વનિર્ભર બી.એડ્. કોલેજની પ્રવેશ કાર્યવાહીમાં પ્રથમ અને
બીજા રાઉન્ડમાં ટૂંકો સમય આપી માત્ર યુનિ.ની વેબસાઈટ ઉપર માહિતી મુકી વિદ્યાર્થીઓને
જાણ થાય નહિ તેવા પ્રયાસો કરી યુનિ.ના નિયમો નેવે મુકીને સંચાલકોને પ્રવેશ ફી લેવાનો
પરવાનો આપી દેવાતાં કેટલાક સંચાલકોએ મોં માગ્યા રૃપિયા ઉઘરાવી બી.એડ્.માં પ્રવેશ આપવાની
કાર્યવાહીમાં પણ કુલપતિએ ઈરાદાપૂર્વક આડકતરી રીતે આંખ આડા કાન કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત
કર્યાનો આક્ષેપ સાથે પાટણ ધારાસભ્ય ર્ડા.કિરીટભાઈ પટેલે આ મામલે તપાસની માંગ કરતાં
શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.
ધારાસભ્યના કહેવા પ્રમાણે કુલપતિ પ્રજાપતિ વિરુદ્ધ રાજ્ય સરકારે ચાર જેટલી તપાસ સમિતિ નીમેલી છે. ધારાસભ્યના આક્ષેપોથી યુનિ.માં ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
એસઈબીસીનો ખોટો લાભ લઈ ઉમેદવારોને નુકશાન પહોચાડયાનો આરોપ
પાટણ ધારાસભ્ય અને એચએનજીયુના સેનેટ સભ્ય કિરીટ પટેલે યુનિવર્સિટીના
કુલપતી વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે. વિવિધ ભ્રષ્ટાચારના આક્ષેપો
સાથે એસઈબીસીના ઉમેદવારોને નુકશાન કરાયાનો પણ આરોપ મુક્યો છે.
જેમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને ૨૭ ટકા અનામતનો લાભ લેવા માટે નોનક્રિમીલેયરનું પ્રમાણપત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અને સરકારી નોકરીઓની ભરતીમાં એસઈબીસી તરીકે લાભ લેવા માટે આપવું ફરજીયાત છે.
આ માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદાને ધ્યાને રાખી સર્ટી ઈસ્યુ
કરાય છે. પ્રોફેસર બી.એ.પ્રજાપતિ અને તેમના પુત્રનો પણ પગાર આ આવક મર્યાદાથી વધારે છે તો તેઓએ એસઈબીસી કેટેગરીનો ખોટો લાભ લઈ
આ કેટેગરીમાં આપતા અન્ય નોન ક્રિમિલેયરવાળા એસઈબીસીના ઉમેદવારોને નુકશાન પહોંચાડી ભ્રષ્ટાચાર
આચરાયો હોવાનો આક્ષેપ કરાયો છે