પાટણમાં કોરોનાના ભયથી બજારો સ્વયંભુ બંધ રહ્યા
- મહેસાણામાં આજથી બપોર બાદ બજારો બંધ રહેશે
- ગ્રાહકોને પણ ખરીદી વખતે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા તેમજ ફરજિયાત માસ્ક પહેરવા અનુરોધ
પાટણ, તા. 08 જુલાઈ 2020, બુધવાર
ઉત્તર ગુજરાતમાં કોરોનાનો ચિંતાજનક વ્યાપ વધી રહ્યો છે ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ સંજોગોમાં પાટણ શહેરના વેપારીઓએ સ્વયંભુ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે બપોરના ૧.૦૦ વાગ્યા પછી પાટણ શહેરના ૮૦ ટકાથી વધુ બજારો સજ્જડ બંધ રહ્યા હતા. જેના પગલે જનતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત મહેસાણા શહેરમાં પણ વેપારીઓએ આજથી સવારના ૮.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.
પાટણ જિલ્લામાં આ આંકડો ૩૦૦ને પાર પહોંચ્યો છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૦૦ સુધી પહોંચી ગઈ છે. તેમજ બનાસકાંઠામાં પણ કૂદકે ને ભૂસકે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે જેના લીધે ઉત્તર ગુજરાતના લોકોમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં વેપારીઓએ પણ મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. પાટણ જિલ્લામાં અગાઉ સાંતલપુર, રાધનપુર, હારીજમાં વેપારીઓે વેપારધંધા બંધ રાખ્યા હતા. ત્યારબાદ બુધવારથી પાટણ શહેરના વેપારીઓએ પણ દુકાનો બપોરના ૨ વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે બપોર બાદ શહેરમાં સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ હતી. દરમિયાન મહેસાણા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ નવીન પરમારની અધ્યક્ષતામાં વેપારી મંડળોના હોદ્દેદારો સાથે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં શહેરમાં બપોરે બે વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વળી, ગ્રાહકોને પણ ખરીદી માટે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.