પ્રિપેઈડ ચાવીથી ઘરનું તાળુ તોડી 15 લાખ રોકડા તસ્કરો લઈ ગયા
- સિદ્ધપુરના રાજપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચોરી
- તસ્કરોએ ચોરી કર્યા બાદ તાળુ ફરીથી ડુપ્લીકેટ ચાવીથી મારી દીધું, જાણભેદુ હોવાની આશંકા
સિધ્ધપુર, તા. 26 ઓક્ટોબર 2019, શનિવાર
સિધ્ધપુર શહેરમાં રાજપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાન માકિલ ખરીદી કરવા ગયા હતા. તે દરમિયાનમાં તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ઘરનું તાળું આરામથી ખોલી ઘરની અંદર પ્રવેશ કરી ઘરમાં બીજા રૃમનું લોક ખોલી કબાટમાં મુકેલ રોકડ રકમ ૧૫ લાખ તેમજ સોનું સહિતના મુદ્દામાલ લઈ જતા મકાન માલિકે સિધ્ધપુર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરેલ છે.
સિધ્ધપુરના રાજપુર વિસ્તારમાં ધરતી બંગ્લોઝ ખાતે રહેતા વેપારી અશોકકુમાર ટોકનદાસ કંડાણીનાઓની ફરિયાદ મુજબ તેઓ પાસે ધંધાના વેપારના આશરે પાંચેક લાખ રૃપિયા હતા તેમજ ધંધા માટે વધુ પૈસાની જરૃરિયાત હોી તેમના મોટાભાઈ પાસેથી ગઈ તા. ૨૩-૧૦-૧૯ના રોજ રોકડા રૃપિયા ૧૦ લાખ ઉછીના લીધા હતા.
તા. ૨૫-૧૦-૧૯ના રોજ સાંજના આશરે પાંચેક વાગે તેમની પત્ની તેમજ તેમની ભાભીઓ સાથે ઘરને તાળું મારી બજારમાં ગયા હતા. તે દરમિયાનમાં કોઈ અજાણ્યા તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ઘરનું લોક ખોલી ઘરની અંદર પ્રવેશી ઘરની અંદરના રૃમનું પણ લોક ખોલી કબાટનું લોક તોડી કબાટમાં મુકેલ ૧૫,૦૦,૦૦૦ રોકડ રકમ રૃપિયા તેમજ દાગીના ચોરી કરી તસ્કરો ઘરમાંથી બહાર નીકળતા જેવું તાળું મારેલું હતું તેવું જ તાળું મારી છુમંતર થઈ ગયા હતા.
ત્યારબાદ અશોકકુમારની પત્ની આશરે બે કલાક બાદ ઘરે પરત આવી તેમની પાસેની લોકની ચાવીથી લોક ખોલી અંદર જોતા ઘરમાં આવેલ કબાટનું લોક તુટેલ હતું તેમજ ખુલ્લું હતું. જેથી તાત્કાલિક અશોકકુમારને જાણ કરતા તેઓ તેમજ તેમના દીકરો ઘરે પહોંચી જોતા તો ઘરની અંદર મુકેલ રોકડ રકમ ગાયબ જણાતા અશોકકુમારે સિધ્ધપુર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
એફએસએલ, ડોગસ્કવોડ કામે લાગી
સિધ્ધપુરમાં આટલી મોટી માતબર રકમ રૃા. ૧૫ લાખની ચોરી થતાં તસ્કરોને શોધવા એફએસએલની ટીમો, ડોગ સ્કવોડ તેમજ ફીંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમોની મદદ વડે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.