સમીના બાસ્પા ગામે જૂની અદાવતમાં જાહેરમાં ગોળી ધરબી બોર્ડરવીંગના જવાનની હત્યા
- હુમલાખોરે પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારતાં પેટમાં ચાલીસ જેટલા કાણા પડી ગયા
રાધનપુર, તા.30 ડિસેમ્બર 2018, રવિવાર
પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે જુની અદાવતમાં સમી સાંજે જાહેરમાં ગોળી મારી બોર્ડર વીંગના જવાનની હત્યાના બનાવના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હુમલાખોરે નજીકથી ગોળી મારતા મરણ જનારના પેટ પર ચારણીની જેમ ચાલીસ જેટલા કાણા પડી ગયા હતા. ગોળીબારની ઘટનાને પગલે સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.
સમી તાલુકાના બાસ્પા ગામમાં રહેતા નરસંગજી ચમનજી વાઘેલા બોર્ડર વીંગમાં ફરજ બજાવતા હતા. તેઓ તાજેતરમાં ફરજ પરથી રજા ઉપર પોતાના ઘરે આવ્યા હતા. નરસંગજી તા. 29મીની સાંજે સાડા સાત વાગ્યે ગામમાં આવેલ પ્રજાપતિ હરગોવનભાઈની દુકાન આગળ ઉભા હતા ત્યારે નાડોદા કનુ શંકરભાઈએ આવીને કહેલ કે અગાઉ તેં મને માર માર્યો હતો. આજે તો તને પતાવી દેવો છે તેમ કહી કનુભાઈએ બંદૂક કાઢી નરસંગજી ઉપર ગોળીબાર કર્યો હતો જેથી નરસંગજીના પેટના ભાગે ગોળી વાગતા નીચે ઢળી પડયા હતા અને હુમલાખોર હાથમા બંદૂક લહેરાવતો ફરાર થઈ ગયો હતો.
પોતાના મોટાભાઈ પર કનુભાઈ નાડોદાએ બંદૂકથી હુમલો કર્યાની જાણ થતાં ઉમેદસીંહ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોતાના ભાઈને બેભાન હાલતમાં નીચે પડેલા જોયા હતા અને તેમના પેટના ભાગે ચાલીસ જેટલા કાણાં પડેલા હતા અને તેમાંથી લોહી નીકળતું હતું. લોહીમાં લથપથ નરસંગજીને 108 દ્વારા તાત્કાલિક રાધનપુર સાંઈ કૃપા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ. તેમની હાલત નાજુક જણાતા વધુ સારવારઅર્થે મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ મહેસાણા જતા રસ્તામાં જ નરસંગજીનું મોત થયું હતું. આ બાબતે મૃતકના ભાઈએ સમી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બાસ્પા ગામમાં સમી સાંજ ેજાહેરમાં ગોળીબારની ઘટના બન્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે હત્યાના સમાચારથી તાલુકાના કેટલાક ગામોમાં ઉશ્કેરાટનો માહોલ સર્જાયો હતો. બીજી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લામાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી છે. હજુ તો વારાહીમાં બનેલી ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં જાહેરમાં બોર્ડર વીંગના જવાનને ગોળી મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા જિલ્લામાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
જુની અદાવતમાં હત્યા થતા ઉશ્કેરાટનો માહોલ
વરસો પહેલા મરણ જનાર નારસંગજી વાઘેલા અને નાડોદા કનુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને જાહેરમાં ગોળીઓ ધરબી દઈને જાનથી મારી નાખવાની ઘટનાથી સમી તાલુકાના કેટલાક ગામોમાં ઉશ્કેરાટનો માહોલ સર્જાયો હતો.