FOLLOW US

રાધનપુરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી દિવાલ ધરાસાઈ થતા બે લોકો દટાયા

- ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા

- દિવાલ નજીક ગેરકાયદે વસવાટ હોવાનું કહી અધિકારીએ કોન્ટ્રાકટરનો બચાવ કર્યો

Updated: Jul 15th, 2022

રાધનપુર,તા.14

રાધનપુર નગરમાં આવેલ શાંતિધામ સામે પાણી પુરવઠા વિભાગ દ્વારા વોટર ટ્રીટમેન્ટ યોજનાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઇને રોડની બાજુમાં ઝૂપડામાં રહેતા ગરીબ પરિવારના ઝુંપડા પર દિવાલ ધરાશાઈ થતાં બે ઈસમો દટાયા હતા.આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ કાટમાળમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા.

રાધનપુર સાતુન માર્ગ પર આવેલ શાંતિધામ સામે પાણી પુરવઠા વિભાગની વોટર ટ્રીટમેન્ટ યોજના તળે કામ કરતા કોન્ટ્રાકટરની કામગીરીને લઇને અનેકે વખત વિવાદ સર્જાયા છે. આ કામગીરી દરમિયાન સ્થળ પર કોન્ટ્રાક્ટર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં માટી નાખવામાં આવેલ છે. ચોમાસામાં પડેલ વરસાદને કારણે માટી પલળતા રોડ સાઈડ ની બાજુમાં ઝુંપડા વાળીને રહેતા ગરીબ પરિવારના ઝુંપડા ઉપર દિવાલ પડતા ખાટલામાં સુતેલા બે લોકો દટાયા હતા. દિવાલ ધરાસાઈ થતા બે લોકો નીચે દટાયાની જાણ થતા આજુબાજુ માંથી લોકો દોડી આવી કાટમાળ ખસેડી બાબુ ભાઈ પાંચા ભાઈ તથા ભોપાભાઈને બહાર કાઢવામાં આવ્યા હતા.

જેમા બાબુભાઈને પાંસળીના ભાગમાં ગંભીર ઇજાઓ જણાતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કરવામાં આવતી કામગીરીને લઈને વિસ્તારના લોકોએ પાણી પુરવઠા અધિકારી સમક્ષ અગાઉ રજૂઆતો કરી હતી .પરંતુ અધિકારી દ્વારા કોઈજ ધ્યાન આપવામાં આવેલ નથી જેને લઈને અમારા જેવા ગરીબ પરિવારોને વેચવાનો વારો આવ્યો હોવાનું ભવાભાઈ એ જણાવ્યું હતું. રોડની બાજુમાં લોકો ગેરકાયદેસર વસવાટ કરે છે તેવી વાત આગળ ધરીને પાણી પુરવઠા અધિકારી દેસાઈએ કોન્ટ્રાક્ટર નો બચાવ કર્યો હતો. ગરીબ પરિવારના ઝુંપડા પર દિવાલ ધરાશાહી થયા ના કલાકો બાદ પણ જવાબદાર અધિકારીઓએ સ્થળ પર તપાસ કરવાની તસ્દી પણ લીધી  નથી જેને લઇને અહી વસવાટ કરતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

Gujarat
English
Magazines