પાટણ જિલ્લામાં 207 પ્રા.શાળાના 532 ઓરડા જર્જરીત હાલતમાં
- ભણે ગુજરાત મોતના ઓથા તળે
- વારાહી પ્રાથમિક શાળામાં ભણતા ભુલકાં જાનના જોખમે અભ્યાસ કરે છે
પાલનપુર,તા.7 મે 2019, મંગળવાર
રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સ્લોગન સાથે કરોડો રૃપિયા વાપરી શિક્ષણ માટેની વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે પરંતુ પાટણ જિલ્લામાં સરકારની ઉદાસીનતાને લઈ ભયના ઓથાતળે હજારો બાળકો ભણવા મજબૂર બન્યા છે. શાળાઓમાં ૫૩૨ ઓરડાઓ જર્જરીત હાલતમાં હોઈ છેલ્લા કેટલાય સમયથી આ ઓરડાઓ પડવાના વાંકે ઉભા છે છતાં અનેક રજૂઆત છતાં ઘોર નિંદ્રામાં ઉંઘતી સરકાર રિનોવેશન કે નવીન ઓરડાઓ માટેની ગ્રાન્ટ ના ફાળવતા માસુમ બાળકો સાથે મોટુ જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે જર્જરિત ઓરડાઓને લઈ કોઈ જાનહાની સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા પામ્યા છે.
પાટણ જિલ્લા પંચાયત હસ્તકની ૭૯૬ પ્રાથમિક શાળાઓમાં ૫૬૨૧ શિક્ષકો પાટણ જિલ્લાના બાળકોને ધો.૧ થી ૮નુ પાયાનું શિક્ષણ આપી રહ્યા છે પરંતુ આ શાળાઓની પરિસ્થિતિ જોઈ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ચિંતામાં મુકાયા છે. કારણ કે ૭૯૬ પ્રાથમિક શાળાઓ પૈકી મોટાભાગની શાળાઓમાં ઓરડાઓ કેટલાય સમયથી જર્જરીત હાલતમાં ઉભા છે ત્યારે વર્ષ દરમિયાન આ જર્જરીત ઓરડામાં શિક્ષણ કાર્ય દરમિયાન ઉપરથી પોપડા પડી રહ્યા છે અને સદનસીબે બાળકોનો બચાવ થયો હોય તેવા બનાવો પણ પ્રકાશિતમાં વ્યા છે ત્યારે જર્જરીત ઓરડાઓની માહિતી વિશે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે હાલમાં છેલ્લા એક વર્ષથી ૫૩૨ જેટલા ઓરડાઓ જર્જરીત હાલતમાં ઉભા છે અને તેમાં બાળકો આજેપણ અભ્યાસ કરી રહ્યા છે અને તેમને ઉતારવાની માંગણી શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી છે અને આ ઓરડાઓ જર્જરીત હાલતમાં હોઈ ભવિષ્માં મોટી જાનહાની થાય તે પહેલા ઉતારી લેવા મંજૂરી પણ આપવામાં આવી છે પરંતુ શાળાઓ દ્વારા જર્જરીત હાલતમાં ઉભા ઓરડા ઉતારવાના બદલે બાળકોને જોખમ હોવાછતાં તેમાં અભ્યાસ કરાવી રહ્યા છે. તો સૌથી ભયજનક સ્થિતિ વારાહી પે-પ્રા.શાળા ૧ની છે. સમગ્ર શાળા જર્જરીત હાલતમાં ઉભી છે અને જેથી બાળકો સહિત વાલીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે.
શિક્ષણ વિભાગે ઓરડાઓ મામલે સરકારમાં દરખાસ્ત કરી
જિલ્લામાં જર્જરીત ઓરડા બાબતે પુછતાં પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં જર્જરીત બનેલા ૫૩૨ ઓરડાઓ છે તેમજ ૬૨૬ જેટલા ઓરડાઓની ઘટ છે. જુના ઓરડા ઉતારવાની મંજુરી આપવામાં આવી રહી છે અને જે ઓરડાઓની ઘટ છે તે બદલ નવીન બનાવા માટે દરખાસ્ત પણ રાજ્ય શિક્ષણ વિભાગને મોકલી દીધી છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ ગ્રાન્ટ આપવામાં આવી નથી. સરકારની ગ્રાન્ટ અને મંજુરી આવતા જ ઓરડાઓ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
અભ્યાસ દરમિયાન પોપડા પડે છેઃ વિદ્યાર્થીઓ
એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને પૂછતાં જણાવ્યુહતું કે અમારો રૃમ ખંડેર જેવો છે ગમે ત્યારે અમે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે ઉપરથી પોપડાઓ પડે છે. જેથી વાગવાના ભયને લઈ અમે ઉપર જ નજર કરી બેસીએ છીએ. તો ચોમાસા દરમિયાન પણ ઉપરથી પાણી પડે છે અને ભણવાના ચોપડા પણ પલળી જાય છે.
બાળકો માટે શાળાનો સ્ટાફ પણ ચિંતિત
શાળાના આચાર્યો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે જિલ્લા શિક્ષણ વિભાગને લેખિતમાં ઓરડા જર્જરીત હોવાની જાણ કરી છે અને અમને પણ આ ઓરડાઓને લઈ બાળકોના જીવ જોખમમાં હોઈ ચિંતા અનુભવી રહ્યા છીએ અને નવીન ઓરડા બનાવવા માટે સરકાર સમક્ષ ગ્રાન્ટની પણ માંગણી કરેલ છે પરંતુ સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટ ન આપતાં નવિન ઓરડા બનાવવાની કામગીરી ખોરંભે ચડી છે.
626 ઓરડાઓની જિલ્લામાં ઘટ
જિલ્લા પંચાયત હસ્તકની ૭૯૬ શાળાઓમાં શિક્ષકો હજારો બાળકોને ધો.૧ થી ૮નો અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે શાળાઓમાં બાળકોની સંખ્યા પ્રમાણે બેસવા માટે વર્ગખંડ પણ પુરતા પ્રમાણમાં નથી અને ૭૯૭ શાળા પૈકી ૨૦૭ શાળાઓમાં કુલ ૬૨૬ ઓરડાઓની ઘટ છે અને આ ઓરડાઓ નવીન બનાવવા માટે રાજ્ય સરકારમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અનેક રજૂઆત કરી છે પરંતુ હજુસુધી ઓરડાઓ બનાવવા માટે સરકારે ગ્રાન્ટ જ ફાળવી નથી.