પાટણમાં 12 પરીક્ષા કેન્દ્રો પર 5880 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી
- તમામ કેન્દ્રો ઉપર થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા, છાત્રોને મેટલ ડીટેક્ટર વડે તપાસ બાદ પ્રવેશ અપાયો
પાટણ, તા. 5 મે 2019, રવિવાર
પાટણ સહિત રાજ્યના પ્રમુખ શહેરોમાં નેસનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટ્રસ્ટ નીટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના વિવિધ કેન્દ્રમાં ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં રજીસ્ટ્રેશન થવા પામ્યા હતા. ત્યારે જિલ્લા મથક પાટણમાં ૧૨ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા યોજાઈ હતી.
દેશભરમાં આવેલી મેડિકલ કોલેજોમાં ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહ બાદ પ્રવેશ મેળવવા માટે સીબીએસસી બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નીટની પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષાનું સંચાલન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એક્ઝામ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આજે વહેલી સવારથી જ જિલ્લા મથક પાટણના તમામ પરીક્ષા કેન્દ્રો પર વાલીઓ અને વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સીબીએસસી બોર્ડ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી હતી ત્યાર ેપાટણના પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ દરમિયાન મેટલ ડીટેક્ટર વડે સઘન તપાસ કરવામાં આવી હતી.
પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન યોજાય તે માટે સીબીએસસી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ તમામ સુચનાઓનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ જાતનું સાહિત્ય કે અન્ય કોઈપણ જાતની ચીજવસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જિલ્લા મથક પાટણના ૧૨ પરીક્ષા કેન્દ્રોના ૨૦૦થી વધુ બ્લોકમાં ૫૮૮૦ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. દરેક પરીક્ષા કેન્દ્રો પર શાળાના આચાર્ય, બે ઓબ્ઝર્વર તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
પાટણ જિલ્લામાં 5880 પરિક્ષાર્થીમાં 831 ગેરહાજર
ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટ પરિક્ષા યોજાઈ હતી. પાટણ જિલ્લાને આજે પ્રથમ વખત નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ કેન્દ્ર ફાળવ્યુ હતું. કુલ ૫૮૮૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પાટણ જિલ્લાના ૧૨ પરિક્ષા કેન્દ્રો પર આજે નીટની પરિક્ષા આપવા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. જોકે પરિક્ષા માત્ર ૮૩૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.