પાટણમાં ભાઈ અને ભત્રીજાની ઠંડા કલેજે હત્યા કરનાર બહેનની ધરપકડ કરાઈ
- પરિવારે વિડીયો પોલીસને આપ્યો
- લાડકવાઈ બહેને લોહીનો ખેલ કેમ ખેલ્યો તે રહસ્ય અકબંધઃ દિકરી ગુનેગાર છે સજા મળવી જોઈએઃ પિતા
પાલનપુર,તા. 5 જૂન 2019, બુધવાર
પાટણમાં તબીબ બહેને પોતાના ભાઈ અને ભત્રીજાની ઠંડા કલેજે હત્યા કરી હોવાની પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી બહેનની અટકાયત કરી હાલમાં હત્યા પાછળનું રહસ્ય શોધવા પોલીસ કામે લાગી છે. ત્યારે સગા ભાઈ અને માસુમનો જીવ લેનાર ઝેરી બહેન સામે સમગ્ર સમાજ સહિત પાટણ પંથકમાં ફિટકારની લાગણી જોવા મળી રહી છે.
સિદ્ધપુરના કલ્યાણાના વતની અને અમદાવાદ ખાતે રહેતા નરેન્દ્ર પટેલ પોતાના પાટણ ખાતે રહેતા ભાઈના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ ૫ જૂનના રોજ સિદ્ધપુરના કલ્યાણા ગામે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેમના ૩૨ વર્ષના દિકરા જીગર પટેલનું મોત થયું હતું અને ત્યારબાદ 25 દિવસ બાદ તેની 14 માસની દિકરી માહીનુ ભેદી રીતે મોત થયા બાદ પણ તેમની દિકરી કિન્નરી પટેલના ચહેરા પર બન્ને સભ્યોના મોતનુ દુઃખ ના દેખાતા તેના પિતા નરેન્દ્રભાઈને વહેમ જતા તેમના ઘરના સભ્યો એકત્રિત થઈ કિન્નરીને યેનકેન પ્રકારે પૂછપરછ કરતા કિન્નરીએ પોતાના ભાઈ અને ભત્રીજીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું કબૂલતા સૌ સભ્ય સ્તભ્દ થઈ ગયા અને આ કરવા પાછળ શું કારણ હતું તે બાબતે કંઈ જ બોલતા પિતાએ પોતાના વ્હાલસોયા પુત્ર અને પૌત્રી ગુમાવી હોય તેના મોત માટે તેની દિકરી ગુનેગાર હોય પાટણ પોલીસને આ બાબતે જાણ કરી તેમની માસુમ દિકરી માહીના મૃતદેહ બહાર કાઢી સમગ્ર કેસ મામલે તપાસ કરવાની માંગ સાથે પોતાની પુત્રી સામે શહેર બીડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે કિન્નરી પટેલ ઉ.વ.૨૮ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
હત્યારી બહેનને પોલીસ ધરપકડ કરી
પિતાએપુત્રી કિન્નરી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધી ગુનાની તપાસ માટે આરોપી કિન્નરી પટેલની પાટણમાંથી ધરપકડ કરી હતી અને ભાઈ અને ભત્રીજીની હત્યા કરવા પાછળનું કારણ હતું તે રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડા દ્વારા જણાવ્યું હતું.
ભાઈ-ભત્રીજીને મારવા પાછળનું રહસ્ય અકબંધ
કિનરી પટેલના હજુસુધી લગ્ન થયા નથી તો અમદાવાદમાં પરિવાર સાથે રહેતી કિન્નરી દ્વારા પોતાના વ્હાલસોયા ભાઈને મારવા પાછળનું કોઈ કારણ જોવા મળ્યું ન હતું તો તેનાથી આશ્ચર્યજનક ૧૪ મહિનાની માસુમને પણ ના છોડતા પોલીસ પણ અચંબામાં પડી બન્ને હત્યા પાછળનું કિન્નરીનું મકસદ શું હતું તે શોધવા માટે જમીન આસમાન એક કરી રહી છે. અત્યાર સુધી પરિવાર અને પોલીસ બન્ને માટે બન્ને મોતના કારણનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.
કિન્નરીની કબૂલાતનો પરિવારે વિડીયો ઉતારી પોલીસને સોંપ્યો
કિન્નરીને પરિવારના સભ્યો દ્વારા યેનકેન પ્રકારે સમજાવી તેને ભાઈ અને ભત્રીજાના મોત બાબતે પૂછતાં તેને પોતાના ભાઈ અને ભત્રીજી માહીને ઝેરી દવા પીવડાવી મારી નાખ્યા હોવાનું કહેતા હાજર સભ્યોએ તેની કબૂલાતનો વિડીયો ઉતાર્યો હતો અને એ વિડીયો સબૂત માટે પોલીસને આપ્યો હતો.
મારી દિકરી ગુનેગાર છે સજા થવી જોઈએ
દિકરીના પિતા નરેન્દ્રભાઈએ કહ્યું કે મારી દિકરી છે છતાં તેને જે ગુનો કર્યો છે તે બદલ તે એક ગુનેગાર પણ છે અને સમાજમાં દાખલો બેસે તે માટે મેં ફરિયાદ નોેંધાવી છે અને તેને તેના ગુનાના બદલે સજા થવી જોઈએ એવી મારી ઈચ્છા જેથી બીજા કોઈ પરિવારમાં આવું ના બને અને કોઈનો પરિવાર ના વેરાઈ જાય.