બહુચરાજી અને શંખલપુર મંદિરમાં માઈ ભક્તોએ શીશ ઝુકાવ્યા
- એક જ ગેટથી પ્રવેશ અપાતા અવ્યવસ્થા સર્જાઈ
- ૫૨૦૦ વર્ષ પૌરાણિક શ્રી ટોડા બહુચર માતાના મંદિરે પણ નવા વર્ષના પ્રારંભે હજારો માઈભક્તોની ભીડ
ચાણસ્મા, તા.8
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી અને શંખલપુર ખાતે નવા વર્ષના આરંભે હજારો શ્રધ્ધાળુઓએ ઉમટી પડી લાલ ત્રિપુર સુંદરી મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બીજી બાજુ મોટી સંખ્યામાં માઇભક્તો દર્શન કરવા આવી રહ્યા હોવા છતાં માત્ર એક જ ગેટથી પ્રવેશ આપવામાં આવતાં ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી અને યાત્રિકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ ખડા થયા હતા.
ભારત વર્ષના બાવન શક્તિપીઠોમાં ગણનાપાત્ર બહુચરાજી ખાતે નવા વર્ષના પ્રારંભે ગુજરાત સહિત પરપ્રાંતિય હજારો શ્રદ્ધાળુઓ બહુચર માતાજીના દર્શન કરવા ઉમટી પડયા હતા. બેસતું વર્ષ, ભાઇબીજ તેમજ ત્રીજને રવિવારના દિવસે હાઇવે પર વાહનોની લાંબી કતારો જામી હતી. ગત વર્ષે કરોનાને લઇ દર્શન નહીં કરી શકેલા હજારો શ્રધ્ધાળુઓ આ વર્ષે કોરોનાનો ડર ભુલી દર્શન માટે પધારતાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો ખડા થયા હતા. એમાંય યાત્રાધામ બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાર દરવાજાને યાત્રિકોને પ્રવેશ આપવાના બદલે માત્ર દર્શનવાળા ગેટથી એન્ટ્રી આપવાનો નિર્ણય કરતા ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. જેમાં દર્શન કરવા લાઇનમાં કલાકોથી ઉભા રહેલા યાત્રિકો વચ્ચે ઝપાઝપી પણ સર્જાઇ હતી. લાખોના ખર્ચે બનાવેલ દર્શન પથરેલિંગ વ્યવસ્થા પણ શોભાના ગાંઠિયા સમાન બની હતી. મંદિરના ગર્ભગૃહમાં પણ નયનરમ્ય શણગાર કરાયો છે. વહેલી સવારથી જ દર્શન માટે ઉમટી પડતાં શ્રધ્ધાળુઓ મા બહુચરના જયઘોષથી મંદિર પરિસર સતત ગુંજતું રહ્યું હતું. યાત્રાધામ બહુચરાજીથી ૨ કિ.મી.ના અંતરે આવેલા બહુચર માતાજીના આદ્યસ્થાનક ૫૨૦૦ વર્ષ પૌરાણિક શ્રી ટોડા બહુચર માતાના મંદિરે પણ નવા વર્ષના પ્રારંભે હજારો માઈભક્તો દર્શન કરવા ઉમટી પડયા હતા અને નૂતન વર્ષ નિમિત્તે બહુચર માતાજીને અન્નકૂટ ધરાવાયો હતો.