રાધનપુર-પાલનપુર હાઈવે પર કેરોસીન ભરેલ ટ્રેઈલરમાં આગ, લાગી કલાકો સુધી ફાયર ફાયટર ન પહોંચ્યું
- આગ બેકાબુ બનતા ટ્રેઈલરમાં રહેલા બેલરોમાં જોરદાર ધડાકા થયા ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી
રાધનપુર, તા.10 ઓક્ટોબર 2019, ગુરૂવાર
રાધનપુર, પાલનપુર હાઈવે પરન જેતલપુરા ગામ નજીક આવેલ હોટલ ઉપર ઉભું રહેલ કેરોસીનના બેરલ ભરેલ ટ્રેઈલરમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. જોતજોતામાં આગ બેકાબુ બનતા કેરોસીનના બેરલો બ્લાસ્ટ થતા દૂર દૂર ઉડીને ખેતરોમાં ગયા હતા. ટ્રેઈલરના ચાલકે જીવના જોખમે પોતાની ગાડી હોટલથી દૂર હાઈવે ઉપર લઈ જતા મોટી જાનહાનિ ટળી હતી.
કચ્છના ગાંધીધામથી તા. ૩૯મી ઓક્ટોબરની રાત્રે ટ્રેઈલરમાં ૨૨૬ કેરોસીનના બેરલો ભરીને ઉત્તરપ્રદેશના સીકંદરાબાદ જવા નીકળ્યું હતું. આ ટ્રેઈલર બીજા દિવસે બપોરે બાર વાગયે રાધનપુર, પાલનપુર હાઈવે પરના જેતલપુરા ગામ નજીક આવેલ ચૌધરી હોટલે આવીને ઉભું રહ્યું હતું. ટ્રેઈલરના ચાલક અને તેનો સાથી નીચે ઉતરીને ગાડીના ટાયરો ચેક કરતા હતા તે દરમિયાન ટ્રેઈલરમાં રહેલા કેરોસીનના બેરલોમાં આગ લાગી હતી. બેરલોમાંથી આગની જ્વાળાઓ દેખાતા હોટલ સ્ટાફ અને હોટલ પર ઉભા રહેલા બીજા વાહનચાલકોમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક વાહનચાલકો પોતાના વાહનો લઈને દૂર જતા રહ્યા હતા.
જ્યારે ટ્રેઈલરમાં રહેલ બેરલોની આગ બેકાબુ બનતા ટ્રેઈલર ચાલક મહાવીરસીંગે પોતાના જીવના જોખમે ગાડી ચાલુ કરીને હોટલથી દૂર લઈ જઈ હાઈવેની બાજુમાં ઉભી કરી હતી. ત્યાં સુધીમાં તમામ બેરલોમાં આગ લાગી હતી અને ડ્રાઈવરે જીવ બચાવવા ગાડીમાંથી કૂદકો માર્યો હતો. જોતજોતામાં આગ બેકાબુ બનતા કેરોસીન ભરેલા બેરલો ધડાકાભેર હવામાં ઉડયા હતા. સળગતા બેરલો દૂર ખેતરોમાં જઈને પડયા હતા. રાધનપુર, પાલનપુર હાઈવે પર કેરોસીનના બેરલ ભરેલ ટ્રેલરમાં આગ લાગવાને કારણે દસેક કિલોમીટર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાતા હતા. ટ્રેઈલરમાં લાગેલ આગને કાબુમાં કરવા સ્થાનિક ગામના અને હોટલના લોકોએ કોશિશ કરી હતી. પરંતુ કેરોસીનના બેરલોએ આગ પકડી લેતા આગની જ્વાળાઓ ગરમીના કારણે બંને સાઈડોમાં કલાકો સુધી વાહન વ્યવહાર બંધ થયો હતો. જ્યારે હાઈવેની બાજુમાં દૂર રહેલ વીજ વાયરોને પણ આગની ગરમીથી નુકસાન થયું હતું. હાઈવે પર ટ્રેઈલરમાં આગ લાગ્યા બાબતે રાધનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. પરંતુ નગરપાલિકાના બંને અગ્નિશામક વાહનો છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં હોવાને કારણે ટ્રેઈલર ચાલકને તાત્કાલિક મદદ મળી શકી ન હતી. જ્યારે આગ લાગ્યાના સમાચાર મળતા થરા નગરપાલિકાનું ફાયર ફાયટર ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં આગને કારણે ટ્રેઈલર બળીને ખાક થઈ જતા લાખ્ખો રૃપિયાનું નુકસાન થયું હતું.
ટ્રેઈલર નીચે આગ દેખાઈ, હોટલ સ્ટાફ
બપોરે ટ્રેઈલર હોટલ ઉપર આવીને ઉભું રહ્યું હતુ ંત્યાર ેકેરોસીન નીચે ટપકતું હતું અને ગાડીની નીચે આગ લાગી હતી. જે જોઈને અમે દોડી આવ્યા હતા અને ગાડીના ચાલકને જાણ કરી હતી. પરંતુ કેરોસીન ટપકતું હોવાને કારણે આગ બેરલોમાં ફેલાઈ હોવાનું ઘટનાને નજરે જોનાર હોટલના સ્ટાફે જણાવ્યું હતું.
રાધનપુર નગરપાલિકાના અગ્નિશામક વાહનો શોભાના ગાંઠિયા સમાન
રાધનપુર નગરપાલિકા પાસે બે અગ્નિશામક વાહનો છે. જે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. જ્યારે પણ આગ લાગે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ વાહનો રીપેરીંગમાં હોવાનો નફ્ફટાઈભર્યો જવાબ આપે છે જો આજે નગરપાલિકા પાસે અગ્નિશામક વાહન ચાલુ હોત તો ટ્રેઈલરમાં લાગેલ આગ તાત્કાલિક કાબુમાં આવી જાત અને લાખ્ખોનું નુકસાન થતું અટકાવી શકાત તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.