સિધ્ધપુર એપીએમસીમાં ખરીદ કેન્દ્ર શરૃ ન થતા ખેડૂતોમાં રોષ
-ખેડૂતો સવારથી આવ્યા પણ મગફળીની ખરીદી ન કરાઈ
-મોબાઈલમાં મેસેજ આવતા ખેડૂતો ટ્રેકટરો ભરી સ્થળ પર પહોંચી ગયા
સિધ્ધપુર,
તા.૧પ નવેમ્બર, ૨૦૧૮, ગુરૃવાર
પાટણ જિલ્લામાં સિધ્ધપુરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૃ કરવાની
હતી. તેમાં સવારથી ખેડૂતો ખરીદી કેન્દ્રમાં પહોચી ગયા હતા. પરંતુ કોઈ અધિકારી ત્યાં
હાજર ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમજ ટેકાના ભાવે મગફળીની ખરીદી વિલંબમાં
પડી હતી.
ખરીફ -ર૦૧૮ માં મગફળી પાક માટેના ઉત્પાદનની સરકારે નિયત કરેલા ટેકાના ભાવે મગફળીની ખરીદ કરવા ગુજરાત સરકારની એજન્સી તરીકે ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી.ની નિમણુંક કરી છે.
જે ખરીદી શરૃ કરવાની કામગીરી ખરીદ કેન્દ્ર એપીએમસી, સિધ્ધપુરમાં શરૃ થવાની હતી. જેમાં સિધ્ધપુર એપીએમસીમાં આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી શરૃ કરવાની હતી.
જયા પ૪ જેટલા ખેડૂતો દ્વારા ઓનલાઈન નોધણી કરવામાં આવી હતી. જેમાં ખેડુતોને સવારના ૯
વાગે હાજર રહેવાનુ મોબાઈલમાં મેસેજ આવતા ખેડુતો સવારે ૮ વાગ્યાના સુમારે મગફળી ભરી
પોતાના ટ્રેકટરો લઈ ખરીદી કેન્દ્ર ખાતે આવી પહોચ્યા હતા.
જેમાં ખરીદી કેન્દ્ર ખાતે વેચાણ અર્થે આવેલા ખેડૂતોને તંત્રની
નિષ્કાળજીના લીધે ભારે હાલાકી ભોગવવી પડી હતી. તેમજ સાંજના પાંચ વાગ્યા સુધી પણ તંત્ર
દ્વારા ખરીદી શરૃ ન કરાતા ખેડૂતો ભારે રોષ જોવા મળ્યો હતો.