નર્મદા કેનાલોમાં સફાઈ કરવામાં ના આવતા ખેડૂતોની નારાજગી
- પાટણ જિલ્લાના છેવાડે સાંતલપુર તાલુકામાં
- નર્મદા નિગમની ઓફીસમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓની ઉદાસીનતા
રાધનપુર,તા.24 જૂન 2020, બુધવાર
પાટણ જિલ્લાના છેવાડે આવેલ સાંતલપુર તાલુકામાં આવેલ નર્મદા નિગમની કેનાલોની મરામત અને સફાઈની કામગીરી કરવામાં આવી ના હોવાની નાયબ મુખ્યમંત્રીને લેખીત ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓ દ્વારા કેનાલોની સફાઈ અને મરામત્તની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે તપાસ થવા રજૂઆત કરવામાં આવી હતી.
સાંતલપુર તાલુકાના ભાજપના મહામંત્રી અરજણભાઈ આહીર દ્વારા નાયબ મુખ્યમંત્રીને કરેલ લેખીત ફરિયાદમાં જણાવ્યાનુસાર કચ્છ બ્રાન્ચ કેનાલ અને તેની પેટા કેનાલો મઢુત્રા માઈનોર, મઢુત્રા-રોઝુ માઈનોર મઢુત્રા-જાખોત્રા ડીસ્ટ્રી બાવરડા પર માઈનોર બાબરા-પર માઈનોર જેવી તમામ કેનાલોની સાફ સફાઈ કરવામાં આવેલ નથી. કેનાલોની સફાઈ અને મરામત્ત બાબતે રાધનપુર ખાતે આવેલ નિગમની કચેરીમાં અવારનવાર તાલુકાના ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવેલ હતી. આ પાઈપ લાઈનોમાં ક્યારે ખેડૂતોને પાણી મળવા પામ્યું નથી. તેમછતાં મઢુત્રા-વૌવા, ફાંગલી રોઝુ જેવા ગામોમાં પાઈપ લાઈનો નાખીને સરકારી નાણાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. સાંતલપુર તાલુકામાં કેનાલની સફાઈ અને મરામત્ત અને પાઈપ લાઈનોની કામગીરી બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.