ઉત્તર ગુજરાતમાં 1લી માર્ચથી નર્મદા કેનાલમાંથી સિંચાઈનો પાણી પુરવઠો બંધ થતા ખેડૂતોમાં રોષ
- રવિ પાકોમાં એક પાણી પિયતની ઘટ છતાં
- 15મી માર્ચ સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવા માંગઃ વરીયાળી, એરંડા, રજકો, ઘાસચારા માટે હજુ એક પાણીની જરૃર
ચાણસ્મા, તા. 1 માર્ચ 2019, શુક્રવાર
સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચાલુ સાલે ચોમાસામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં પાણી અને ઘાસચારાની અછત વર્તાઈ રહી છે. તેવા સંજોગોમાં નર્મદા વિભાગ દ્વારા પહેલી માર્ચથી સિંચાઈ માટે કેનાલમાં પાણી બંધ કરી દેવામાં ાવતા આ વિસ્તારના ખેડૂતના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. જેથી ચાલુ રવિ પાક માટે આગામી ૧૫મી માર્ચ સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવા આ વિસ્તારના ખેડૂત દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવનાર છે.
ચાલુ સાલે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ ન પડવાથી ચોમાસુનો ખેતી પાક તદ્દન નિષ્ફળ ગયો હતો. આ વિસ્તારમાં સિંચાઈ માટે પાતાળકૂવાઓ મુખ્ય આધાર છે અને અન્ય વિસ્તારોમાં નર્મદાની મુખ્ય કેનાલ અને પેટા કેનાલ મારફતે રવિ સીઝનના પાક વાવેતર માટે પાણી આપવામાં આવતું હતું. રાજ્ય સરકારના નર્મદા વિભાગ દ્વારા કરેલ જાહેરાત મુજબ ૧લી માર્ચથી ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી હાલના રવિ પાક જેવા કે ઘઉં, વરીયાળી, એરંડા, રજકો તેમજ ઘાસચારા માટે છેલ્લા એક પિયતની ઘટને કારણે જ્યાં પાતાળ કૂવાઓની વ્યવસ્થા ન હોય ત્યાં પાક નિષ્ફળ જવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ખેતી ઉપરાંત પશુપાલનનો મુખ્ય વ્યવસાય છે.
અછતની પરિસ્થિતિ છે, પાણીની તંગી છે, નદી જળાશયો ખાલીખમ છે અને કેટલાય વિસ્તારોમાંથી લોકો પશુધન બચાવવા હિજરતનો આશરો લઈ રહ્યા છે ત્યારે સરકારે આગામી 15મી માર્ચ સુધી નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી ચાલુ રાખવું જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે. પાણીનો જથ્થો ઓછો હોવાથી સિંચાઈ માટે પાણી બંધ કરાયું.