Gujarat

સિદ્ધપુરમાં ચૈત્ર વદ એકમથી અમાસ સુધી માતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટશે

By GS Team
20 Apr 20192 mins read
This article was originally published on 20 Apr 2019
સિદ્ધપુરમાં ચૈત્ર વદ એકમથી અમાસ સુધી માતૃતર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટશે

સિદ્ધપુર,તા.19 એપ્રિલ 2019, શુક્રવાર

વેદ પુરાણોમાં જેનો શ્રી સ્થળ તરીકે ઉલ્લેખ થયો છે એવું પવિત્ર નદીના કિનારે (સરસ્વતી નદી) આવેલ પાવન ધામ સિદ્ધપુર તે હિન્દુઓનુ યાત્રાધામ જ નહિ પરંતુ ગુજરાતનું કાશીધામ ગણાય. માતૃશ્રાધ્ધ માટે ભારતભરનું સિદ્ધપુરમાં આવેલ એક માત્ર બિંદુ સરોવર જગત પ્રસિદ્ધ છે. સમગ્ર ભારતભરમાંથી લોકો અહીં માતૃશ્રાધ્ધ માટે આવે છે. જેમાં ખાસ કરીને ચૈત્ર માસ, ભાદરવા માસ, કારતક માસમાં બિંદુ સરોવર ખાતે માતૃશ્રાધ્ધ કરવાથી પિતૃના આત્માને મોક્ષ અને શાંતિ મળે છે. કાત્યવાન મુનિએ લખ્યું છે કે માતૃગયા તિર્થ બિંદુ સરોવરમાં માતાનું શ્રાદ્ધ કરવાથી માતાનો મોક્ષ થાય છે.

માન્યા મુજબ હજારો વર્ષો પહેલા જગતોપતિ કરનાર મહર્ષિ કદમ એ માતા દેવહૂતિએ નવ પુત્રીઓ બાદ પુત્રની ઝંખના માટે સરસ્વતી નદીના તટે કઠોર તપસ્યા કરી જેને લીધે આ મંત્રનો સિદ્ધક્ષેત્ર તરીકે પુરાણોમાં ઉલ્લેખ કરાયો છે. કદમ ઋષિ અને દેવહુતિની કઠોર તપસ્યા જોઈને ભગવાન નારાયણે પ્રસન્ન થઈને વરદાનમાં માતા દેવહુતિના કુખે જન્મ લીધો. ભગવાન નારાયણનો પાંચમા અવતાર કપિલ અવતાર કહેવાયો. કપિલ ભગવાન નાની ઉંમરમાં જ માતા દેવહુતિને સાંખ્ય શસ્ત્રનો ઉપદેશ આપી માતાનો ઉધ્ધાર કર્યો હતો. ભગવાન કપિલના ઉપદેશથી કૃતાર્થ થયેલા માતા દેવહુતિની આંખમાંથી હર્ષના આસુ સરી પડયા.

આ હર્ષના આંસુ નીચે ટપકતા ત્યાં સરોવર બન્યું જે હર્ષ બિંદુ સરોવર કહેવાય. જેને હાલમાં બિંદુ સરોવરના નામેથી ઓળખવામાં આવે છે. બિંદુ સરોવર ખાતે શ્રાધ્ધ માટે આવનાર યજમાન જે તે કુળ ગોરના પાસે શ્રાધ્ધ વિધિ કરાવે છે. અહીં શ્રાદ્ધવિધિ કરાવતા બ્રાહ્મણો પાસે યજમાનના બાપદાદાઓનો કુળનો ઈતિહાસ આવતા ચોપડા મોજુદ હોય છે. જેમાં શ્રાદ્ધ માટે આવનાર યજમાનના કુળની માહિતી મળી રહે છે. ભારત વર્ષના ચાર મુખ્ય સરોવરમાં નારાયણ સરોવર (કચ્છ, પંપા સરોવર (દક્ષિણ) માનસરોવર (કૈલાશ) અને બિંદુ સરોવર (સિદ્ધપુર)એ હિન્દુ ધર્મમાં પવિત્ર તીર્થો છે. જેમાં બિંદુ સરોવર એ ભારત વર્ષનું માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત તીર્થ છે.