પાટણમાં રાત્રે અન્ય જિલ્લાઓમાંથી લોકો દ્વારા જોખમી પ્રવેશ
- બેદરકારીને કારણે કોરોના વાયરસ વધુ વકરે તો નવાઈ નહી
- કેટલાક ગામના સરપંચની બેદરકારીનેકારણે લોકો રાત્રિ દરમિયાન ગામોમાં પ્રવેશ કરી રહ્યા છેઃ કલેક્ટરના જાહેરનામાનો ભંગ
પાલનપુર,તા.26 એપ્રિલ 2020, રવિવાર
પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૧૯ કેસ નોંધાયા છે. જેને લઈ જિલ્લા કલેક્ટરે અગમચેતીના ભાગરૃપે પાટણ જિલ્લામાં કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે જિલ્લામાં પ્રવેશ કરવાના તમામ માર્ગો ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે. જોકે કેટલાક ગામના સરપંચોની ઘોર બેદરકારીને કારણે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત અન્ય જિલ્લામાંથી હજુપણ લોકો કોઈપણ અધિકૃત અધિકારીને જાણ કર્યા વગર પાટણ જિલ્લામાં ઘુસી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગામના લોકો બહાર રહેતા હોવાથી સરપંચના સગાવ્હાલાં હોવાથી તેઓ પણ કંઈ કહી શકતા નથી. જેને લઈ તાત્કાલિક તંત્ર દ્વારા આવા તમામ લોકોની તપાસ કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ગુજરાત સહિત ભારતમાં કોરોના મહામારીના કેસોમાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ તેને વધુ ફેલાતો અટકાવવા પ્રધાનમંત્રી દ્વારા લોકડાઉન ૩ મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેની વચ્ચે પાટણ જિલ્લામાં અત્યાર સુધી ૧૯ કેસ નોંધાયા છે. જેમાં હવે ખાસ કરીને જિલ્લામાં નવા તાલુકાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. ત્યારેજિલ્લામાં કોરોના વધુ વકરે નહિ તે માટે પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જિલ્લામાં કોઈપણ અધિકૃત અધિકારીની પરવાનગી વગર પાટણ જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવશેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે આ જાહેરનામાનું ગ્રામ પંચાયતના કેટલાક સરપંચો દ્વારા ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમ્થી લોકો પાટણ જિલ્લામાં ચેકપોસ્ટ ઉભી કરાયેલ માર્ગો પરથી જ પાટણ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે. જેને લઈ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારેગામડાઓમાં સરપંચના સગાવહાલા બહારથી આવતા હોવાથી તેઓ પણ આરોગ્ય તંત્રને જાણ કરતા નથી. આવા કેટલાક પોલીસ કર્મચારી અને સરપંચની ઘોર બેદરકારીને કારણે પાટણ જિલ્લામાં કોરોના વાયરસ વધુ વકરે તો નવાઈ નહી. જેથી આવા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પાટણ જિલ્લામાં કોરોના વધુ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે?
પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં લોકો શહેરથી ગામડા તરફ મીટ માંડી રહ્યા છે. ેજમાં હવે શહેર બાદ ગામડાઓ પણ સપડાવવા લાગ્યા છે. જેને લઈ જિલ્લામાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરી રહેલા વ્યક્તિઓ પોઝીટીવ હશે અને જિલ્લામાં નવા ગામોમાં કોરોના વાયરસ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે?
પાટણ જિલ્લામાં રાત્રી અને વહેલી સવારે લોકો પ્રવેશ કરે છે
પાટણ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી અનઅધિકૃત રીતે પ્રવેશ કરતા લોકો રાત્રી અને વહેલી સવારે અંધારામાં પ્રવેશ કરવાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં તેઓનું માનવું છે કે રાત્રે અને સવારે પોલીસ રોકતી નથી. જેથી તેઓ કોઈ બહાનું બતાવી પ્રવેશ કરી લે છે.