Get The App

રાધનપુરમાં પાન-મસાલાના જથ્થાબંધ વેપારીના ત્યાં ગ્રાહકોની ભીડ

- સામાજીક દૂરી જળવાઈ રહે તેના માટે ઓડ ઈવનના નિયમો પ્રમાણે દુકાનો ખોલવાનો તંત્રનો આદેશ છતાં સરેઆમ ભંગ

Updated: May 22nd, 2020

GS TEAM

Google News
Google News
રાધનપુરમાં પાન-મસાલાના જથ્થાબંધ વેપારીના ત્યાં ગ્રાહકોની ભીડ 1 - image

રાધનપુર,તા.21 મે 2020, ગુરૂવાર

બે મહિનાના લોકડાઉન બાદ સરકાર દ્વારા એકાએક પાન મસાલાના ગલ્લા ખોલવાનું ફરમાન કરવામાં આવતા રાધનપુર ખાતે આવેલ પાન-મસાલા અને ગુટખાના જથ્થાબંધ વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ જામતા સામાજીક દૂરી રાખવાના સરકારી નિયમોની અવગણના કરવામાં આવેલી જોવા મળી હતી.

રાજ્યમાં લોકડાઉનને કારણે પાન-મસાલા, ગુટખા અને બીડીઓના કાળા બજારમાં વેચાતી હતી. આ વ્યસની માલસામાનના જથ્થાબંધ વેપારીઓએ પાન-મસાલા, ગુટખા અને બીડીઓ ઉંચા ભાવે વેચીને લાખો રૃપિયાની કમાણી કરી હતી. સરકારે હવે પાન-મસાલાના ગલ્લા ખોલવાની જાહેરાત કરતા આજેપણ કેટલાક જથ્થાબંધ વેપારીઓ ગ્રાહકો પાસેથી વધારે નાણા પડાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. જેમાં રાધનપુર નગરમાં આવેલ એસ.ટી. સ્ટેશનથી ભાભર રોડ તરફ જવાના માર્ગ પર આવેલ પાન-મસાલા અને ગુટખાના જથ્થાબંધ વેપારીઓને ત્યાં સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. દુકાનની બહાર અને અંદર ઉભેલા ગ્રાહકોને કારણે એકબીજા વચ્ચે સામાજીક દૂરી જળવાયેલી જોવા ના મળી હતી. જ્યારે સરકાર દ્વારા પાન-મસાલાના ગલ્લા ખોલવાની જાહેરાત બાદ પણ રાધનપુર ખાતેના જથ્થાબંધ વેપારીઓએ ગ્રાહકો પાસેથી ઉંચા ભાવ વસુલ્યા હતા. જેમાં ૧૦૦૦ ટેલીફોન બીડીના રૃપિયા ૬૨૦ના બદલે આજે ગ્રાહકો પાસેથી ૧૦૦૦ રૃપિયા લેવામાં આવ્યા હતા અને તૈયાર મારવાનું ૪૦ નંગના પેકેટના આમ ૨૪૦ રૃપિયા કિંમત છે. જેની જગ્યાએ ાજે ૩૦૦ રૃપિયા કિંમત દુકાનદારે જણાવી હતી. ૩૦ નંગ વિમલના પેકેટના ૧૩૫ રૃપિયાના બદલે ૨૫૦ અને સિલ્વર ૩૦ નંગના પેકેટના ૧૩૦ રૃપિયાને બદલે ૨૦૦ રૃપિયા ગ્રાહકો પાસેથી તમામ વસ્તુઓના ભાવ વધારે લેવામાં આવતા હોવાનું જગદીશ પંચાલે જણાવ્યું હતું.

ઓડ-ઈવનના નિયમનું પણ ઉલ્લંઘન

રાધનપુર નગરમાં કોરોના પોઝીટીવના બે કેસ આવતા સામાજીક દૂરી બની રહે તે માટે નગરમાં ઓડ ઈવન પ્રમાણે દુકાનો ખોલવા તંત્ર દ્વારા આદેશ કરવામાં આવેલ છે. જેમાં નગરની મોટાભાગની દુકાનો પર એક અને બે નંબર લખેલા કાગળો નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યા છે. જ્યારે સામાજીક દૂરી રાખવાના નિયમોનું કેટલાક વેપારીઓને ત્યાં પાલન થતું ના હોવાનું દુકાનો પર જામેલી ભીડ જોતા જણાઈ આવતું હતું. જ્યારે ઓડ ઈવનના નિયમોનું નગરના કેટલાક વિસ્તારોમાં પાલન કરવામાં ના આવતું હોવાના કારણે નિયમોનું પાલન કરતા વેપારીઓમાં તંત્ર સામે કચવાટ ઉભો થવા પામ્યો હતો.

Tags :