સગીરાના બાળલગ્ન કરાવનાર પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો
- પાટણ પ્રાંત અધિકારીને જાણ થતાં ભાટસરના યુવક સાથે બાળલગ્ન કરાવનારા સામે કાર્યવાહી
પાલનપુર,તા.31 જુલાઈ 2020, શુક્રવાર
ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામની બાળકીના ભાટસર યુવક સાથે બાળલગ્ન કરાવ્યા હોવા બાબતની મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરેને જાણ થતાં યુવક સહિત પાંચ લોકો સામે ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
મદદનીશ કલેક્ટરની સુચના અનુસાર પાટણ જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તથા તેમની ટીમ દ્વારા સામાજીક કાર્યકરને સાથે રાખી બાળલગ્ન બાબતે તપાસ હાથ ધરવામાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ બાબતે પુછપરછ કરતાં ગોખરવા ગામે રહેતી બાળકીના પિતાએ જણાવ્યું હતું કે તેમની દિકરીના લગ્ન ભાટસર ગામના યુવક સાથે તા.૨ જૂન ૨૦૧૯ના રોજ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમ દ્વારા બાળકીના સાસરીપક્ષે આ બાબતની પુષ્ટી કરી હતી તથા યુવકે પણ બાળલગ્ન કર્યા હોવાનું સ્વીકાર્યું હતું.
જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તથા ટીમ દ્વારા આ બાબતે બંને પક્ષ તરફથી સગીર પતિ-પત્નીના જન્મના તથા લગ્નના પુરાવા મેળવ્યા હતા. જેમાં બાળલગ્ન હોવાનું જણાતા લગ્ન કરાવનાર માતા-પિતા તેમને મદદ કરનાર તથા યુવક સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ દિકરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય તથા દિકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોય અને લગ્ન કરવામાં આવે તો આવા લગ્ન બાળલગ્ન કહેવામાં આવે છે.