હારીજના દુનાવાડામાં 28 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
- જિલ્લામાં અત્યાર સુધી ૪ તાલુકા કોરોના પ્રભાવિત
- કોરોનાગ્રસ્ત યુવક હાલમાં અમદાવાદ ખાતે સારવાર હેઠળ
પાટણ,તા. 04 મે 2020 સોમવાર
પાટણ જિલ્લામાં જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમતેમ એક બાદ
એક કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં
૨૮ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર ગામને કોર્ડન કરાયું હતું. આરોગ્ય
વિભાગે યુવકના સંપર્કમાં આવેલ લોકોની શોધખોળમાં લાગ્યું છે.
પાટણ જિલ્લામાં ધીરે-ધીરે એક બાદ એક નવા તાલુકાઓ કોરોનાના
સકંજામાં આવી રહ્યા છે. સિદ્ધપુર,
સરસ્વતી, ચાણસ્મા
અને હવે હારીજ તાલુકો કોરોનામાં સપડાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
હારીજના દુનાવાડા ગામનો ૨૮ વર્ષીય યુવક વૃક્ષ પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી.
જેને સારવાર માટે ધારપુર હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ
ઓપરેશનય્ર્યાનું જણાતા અમદાવાદ સિવિલ ખાતે રિફર કરાયો હતો. જેમાં આ યુવકનું
કોરોનાનું સેમ્પલ લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો
હતો અને તાત્કાલિક અમદાવાદ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને
લઈ પાટણ જિલ્લાનો કુલ આંક ૨૨ પર પહોંચી ગયો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા
દુનાવાડા ગામને આખુ કોર્ડન કરી સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ
યુવક કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની હીસ્ટ્રી તપાસવા કામે લાગી ગઈ હતી.