સિધ્ધપુરની તાવડીયા ગામની નર્સને કોરોના પોઝીટીવ
- સિધ્ધપુર ,નેદ્રા બાદ તાવડીયા ગામ કોરોનામાં સપડાયું
- તાવડીયા ગામ આખું સીલ કરી ૧૦૧૧ લોકોને હોમકોરોન્ટાઇન કરાયા, ૩૯૦ ઘરમાં સર્વે હાથ ધરાયો
સિધ્ધપુર, તા. 17 એપ્રિલ, 2020, શુક્રવાર
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાં કોરોનાના વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા ત્યારે થોડા દિવસના વિરામ બાદ આજે તાલુકાના તાવડીયા ગામની એક ૨૦ વર્ષીય યુવતીનું કોરોના પોઝિટિવ આવતા તંત્ર ફરીથી દોડતું થઈ ગયું હતું. આવી ગંભીર પરિસ્થિતિમાં સિધ્ધપુર તાલુકાના દરેક ગામડાઓને લોકડાઉન વચ્ચે સીલ તો કરી દેવામાં આવ્યું છે.
સિધ્ધપુર તાલુકાના તાવડીયા ગામની એક ૨૦ વર્ષીય મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તાલુકા સહિત જિલ્લામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ ગામમાં દહેશત વ્યાપી જવા પામી છે. જેમાં આ યુવતીનું પોઝિટિવ રિપોર્ટ આવતા તેના સંપર્કમાં કેટલા લોકો આવ્યા છે, તંત્ર દ્વારા તપાસ શરૃ કરી દેવામાં આવી છે જ્યારે સિધ્ધપુર હાઈવેથી તાવડીયા ગામમાં પ્રવેશવાનો રસ્તો પણ બ્લોક કરી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવી દેવામાં આવ્યો છે.
સિધ્ધપુર આરોગ્ય સહિતની ટીમોના તાવડીયા ગામમાં ધામા
સિધ્ધપુર તાલુકાના તાવડયા ગામમાં ૨૦ વર્ષીય યુવતીને કોરોના વાયરસ પોઝિટિવ આવતા સિધ્ધપુર આરોગ્ય તંત્ર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ ગામમાં ધામા નાખ્યા બાદ તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો તેમજ ગામમાં સેનેટાઈઝશનથી દવાનો તાત્કાલિક છંટકાવ કરવામાં આવ્યો હતો.
સિધ્ધપુર તાલુકાના તાવડીયા ગામમાં પ્રવેશવાના પાંચ રસ્તા સીલ
સિધ્ધપુરના કાકોશી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ જણાવ્યું હતું કે કોરોના વાયરસમાં એક યુવતીનો કેસ પોઝિટિવ આવતા તાવડીયા ગામમાં પ્રવેશવાના પાંચ રસ્તા સીલ કરી પોલીસની ટીમો ખડકી દેવામાં આવી છે.
કોરોના પોઝિટિવ આવેલ યુવતીના ઘરના તમામ સભ્યોને કોરેન્ટાઈન કરાયા
કોરોના પોઝિટિવ આવેલ યુવતીના ઘરના ત્રણ સભ્યોને પણ કોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે તેમજ તેમના તમામના કોરોના વાયરસના રિપોર્ટ માટે સેમ્પલ લઈ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવશે.
પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ આંકડો કુલ ૧૫ પર પહોંચ્યો
પાટણના સિધ્ધપુરમાં કોરોના પોઝિટિવ ૨ કેસ બાદ તેના સંપર્કમાં આવેલ નેદ્રામાં ૧૨ કેસ પોઝિટિવ સામે આવ્યા હતા. ત્યારબાદ તાવડીયામાં વધુ એક કેસ પોઝિટિવ આવતા પાટણ જિલ્લાનો કુલ આંકડો ૧૫ પર પહોંચી જવા પામ્યો છે.
કોરોનાગ્રસ્ત ૨૦ વર્ષીય મહિલાએ પ્રથમ લુકમાનની સારવાર કરી હતી
મુંબઈથી આવેલ પ્રથમ કોરોનાગ્રસ્ત દર્દી લુકમાનનું તાવડીયા ગામની ૨૦ વર્ષીય મહિલા નર્સે સિધ્ધપુરની શીફા હોસ્પિટલમાં સારવાર કરી હતી. જેને લઈ હાલમાં ચર્ચા ચાલી રહી છે. લુકમાનના સંપર્કમાં મહિલા આવી હોવાથી તેને ત્રણ દિવસ પહેલા શરદી, ખાંસીના લક્ષણો જણાતા સેમ્પ ધારપુર ખાતે મોકલાતા રિપોર્ટ પોઝિટિવ આવતા આ યુવતી કેટલા લોકોના સંપર્કમાં આવી હશે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.