સિધ્ધપુરના ખડીયાસણમાં 68 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ
- ત્રણ દિવસ પહેલા મુંબઈથી ખડીયાસણ આવ્યા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી
સિધ્ધપુર, તા. 30 મે 2020, શનિવાર
સિધ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામે આજરોજ કોરોના વાઈરસે ભરડો લેતા ગામના અને મુંબઈથી ત્રણ દિવસ પહેલા આવેલા ૬૮ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવતા તંત્ર સહિત દોડતું થઈ ગયું હતું. પોઝિટિવ દર્દી મુંબઈથી ત્રણ દિવસ પહેલા તા. ૨૬-૫-૨૦ના રોજ ગામમાં આવ્યા હતા. જેથી કોરોના વાઈરસ સંક્રમણના કારણે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓનો ખાત્મો થયા બાદ ફરીથી કોરોના વાઈરસે ઉથલો મારતા ગઈ ૨૬મી તારીખે નિદ્રોડા ગામના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આજરોજ ખડીયાસણ ગામના ૬૮ વર્ષીય પુરુષને કોરોનાના લક્ષણો જણાતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખડીયાસમ ગામમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. જ્યાં ખડીયાસણ ગામમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંદાતા આરોગ્ય તંત્ર સહિતની ટીમો ગામમાં પહોંચી ગઈ હતી. સિધ્ધપુર તાલુકામાં કોરોના વાઈરસે ફરીથી ભરડો લેતા તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં આજે બીજો પોઝિટિવ કેસ નોંધાતા પાટણ જિલ્લામાં કોરોના વાઈરસનો પોઝિટિવ આંકડો ૭૮ એ પહોંચવા પામ્યો છે.
સિધ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવતા પોલીસ સહિતની ટીમો ગામમાં દોડી આવી હતી તેમજ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રસ્તાઓ બ્લોક કર્યા હતા તેમજ ગામમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.