કોંગ્રેસ હંમેશા આતંકવાદીઓ અને પાકિસ્તાનને છાવરતી ભાષા બોલે છે: વિજય રૂપાણી
- મુખ્યમંત્રીએ રાધનપુરના ભાજપા ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં જાહેરસભા સંબોધી
રાધનપુર, તા. 17 ઓક્ટોબર 2019, ગુરૂવાર
રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં મુખ્યમંત્રીની રાધનપુર ખાતે જાહેરસભા યોજાઇ હતી.
વિજય રૂપાણીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે અને આગામી 21 ઑક્ટોબરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે, રાધનપુર વિધાનસભા બેઠક પરથી અલ્પેશ ઠાકોર સહિત ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ છ બેઠક પરના ભાજપા ઉમેદવારો જનતાજનાર્દનના આશીર્વાદથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.
તેમણે જણાવ્યું કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે ‘‘દેશ કોના હાથમાં સલામત?’’ ત્યારે, દેશભરના નાગરિકોએ દેશમાં વિકાસની સાથે-સાથે શાંતિ અને સલામતીનું વાતાવરણ બની રહે તે હેતુથી ભાજપાને ખોબે ખોબે મત આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુનઃએકવાર પ્રધાનસેવકના રૂપમાં દેશની સેવા કરવાનો અવસર આપ્યો અને દેશભરમાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો.
ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં આતંકવાદી હુમલા પછી નેતાઓ દ્વારા ફક્ત દેખતે હે.. સોચતે હૈ..ના નિવેદન આપવામાં આવતા હતા જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપા સરકારમાં નાનામાં નાની આતંકવાદી ઘટના સામે ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવે છે.
કોંગ્રેસ હંમેશા આતંકવાદીઓ અને પાકિસ્તાનને છાવરતી ભાષા બોલે છે. વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ નાબૂદ કરીને સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને ખરા ખર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.